મરાઠા આરક્ષણના સૌથી મોટા વિરોધી છે શરદ પવાર, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનો મોટો આરોપ

નાગપુરઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મરાઠા આરક્ષણ મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. ફડણવીસે શનિવારે કહ્યું હતું કે મરાઠા સમુદાયની માંગનો સૌથી મોટો વિરોધ NCP સુપ્રીમો શરદ પવાર તરફથી કરવામાં આવ્યો છે. નાગપુરમાં પાર્ટીના અધિકારીઓની સભાને સંબોધતા ફડણવીસે કહ્યું હતું કે NCP સુપ્રીમો આટલા લાંબા સમય સુધી સત્તામાં હોવા છતાં ક્યારેય મરાઠાઓને અનામત આપવા માંગતા ન હતા. જ્યારે રાજ્યમાં મંડલ કમિશન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે પણ મરાઠા આરક્ષણ સામે તેમને વિરોધ હતો. હકીકતમાં, તેમણે OBC અને મરાઠાઓને એકબીજા સાથે લડતા રાખ્યા હતા. શનિવારે નાગપુરમાં ભાજપના હોદ્દેદારોની એક બેઠકમાં ફડણવીસે કહ્યું હતું કે જ્યારે રાજ્યમાં ભાજપની સરકાર હતી ત્યારે મરાઠા સમુદાયને આરક્ષણ મળ્યું હતું, પણ ભાજપ સરકાર ગયા બાદ અનામત પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. ભાજપ ક્યારેય ઓબીસીને કે મરાઠાઓને અન્યાય નહીં કરે.
ડેપ્યુટી સીએમએ કહ્યું હતું કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે શરદ પવારે મહારાષ્ટ્ર પર શાસન કર્યું અને જ્યારે તેઓ પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય કેબિનેટના સભ્ય હતા. ત્યારે તેમને અનામત આપવાની ઘણી તકો મળી હતી. ફડણવીસે એમ પણ કહ્યું હતું કે જ્યારે ભાજપે 2014 થી 2019 સુધી મહારાષ્ટ્ર સરકારનું નેતૃત્વ કર્યું ત્યારે ભાજપે મરાઠાઓને આરક્ષણ પણ આપ્યું હતું અને બોમ્બે હાઈકોર્ટમાં પણ તેનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. ફડણવીસે એમ પણ કહ્યું હતું કે મહા વિકાસ આઘાડીના શાસન દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો, કારણ કે તત્કાલીન સરકાર મરાઠા આરક્ષણ માટે મજબૂત દાવો રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી.
બીજી તરફ, NCPના વિધાન સભ્ય જિતેન્દ્ર આવ્હાડે ફડણવીસના આરોપો પર મહારાષ્ટ્ર સરકાર પર વળતો પ્રહાર કર્યો છે. જીતેન્દ્ર આવ્હાડે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે મહાયુતિના નેતાઓ જાણીજોઈને ઓબીસી અને મરાઠાઓ વચ્ચે વિવાદ ઉભો કરી રહ્યા છે. સરકારે અનામત આપવું જ નથી. તેથી લોકોનું ધ્યાન હટાવવા માટે તેઓ શરદ પવારનું નામ લે છે. આવ્હાડે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સંબોધીને કહ્યું હતું કે પોતાની નિષ્ફળતા માટે બીજાઓને દોષ આપવાનું તેમનું કામ પહેલેથી જ રહ્યું છે.