મહારાષ્ટ્રના આ નેતાની કારમાં તોડફોડ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. મરાઠા સમુદાયના લોકો આ માંગને લઈને હિંસક બની રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને અજિત પવાર જૂથના નેતા હસન મુશ્રીફની કારમાં તોડફોડ કરવામાં આવી છે. મુંબઈના કોલાબામાં આકાશવાણી એમએલએના ઘર પાસે બે અજાણ્યા લોકોએ ગાડી પર હુમલો કર્યો હતો.
પોલીસે આ કેસમાં 2 આરોપીઓની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે મરાઠા આરક્ષણને લઈને મરાઠા સમાજના લોકો હવે નેતાઓને પોતાના નિશાના પર લઇ રહ્યા છે. જેના કારણે હવે મુખ્ય પ્રધાન સહિતના નેતાઓ અને મહારાષ્ટ્રના તમામ નેતાઓના નિવાસસ્થાનોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હસન મુશ્રીફની કારની જે તોડફોડ કરવામાં આવી છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ કાર્યકર્તા મનોજ જરાંગે, મરાઠા સમુદાય માટે અનામતની માંગણી કરીને ગઇકાલે તેમની અનિશ્ચિત ભૂખ હડતાલ સમાપ્ત કરવા વિનંતી કરી હતી. રાજ ઠાકરેએ અનામત મુદ્દે ચર્ચા કરવા મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની પણ માંગ કરી હતી.
જરાંગેને લખેલા પત્રમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે જે લોકો અનામતનો લાભ મેળવી શકતા નથી તેમને મળવો જોઈએ અને અનામત આર્થિક સ્થિતિના આધારે હોવી જોઈએ નહિ કે જાતિના આધારે. રાજ ઠાકરેએ કહ્યું હતું કે સરકારે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ. તેમજ અનામત વિશે દરેક નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કરવા જોઇએ.