મરાઠા આરક્ષણ મહારાષ્ટ્રમાં ભડકો
બંદોબસ્ત :મરાઠા અનામતનું આંદોલન ઉગ્ર બન્યુ છે અને રાજ્યમાં ઘણી જગ્યાએ હિંસક બનાવો બની રહ્યા છે ત્યારે મુંબઈમાં મંત્રાલયની અને થાણેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાન સહિતના મહત્ત્વના સ્થળોએ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોલાપુરમાં પણ લોકોએ રેલરોકો કર્યું હતું જેથી એક્સ્પ્રેસ ટ્રેનો મોડી પડી હતી. (જયપ્રકાશ કેળકર, પીટીઆઇ)
પાર્ટી ઑફિસો અને રાજકારણીઓના નિવાસસ્થાનોની સુરક્ષામાં વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા અનામતને લઈને ચાલી રહેલું આંદોલન હિંસક બનતાં પોલીસે મંગળવારે મંત્રાલય, મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન અને અન્ય રાજકારણીઓના નિવાસસ્થાન તેમ જ રાજકીય પક્ષોની કચેરીઓની સુરક્ષામાં વધારો કર્યો છે. સોમવારે કેટલાક આંદોલનકારીઓએ ત્રણ વિધાનસભ્યોના ઘર/કચેરીને આગ ચાંપી હતી. જેમાંથી બે એનસીપીના અને એક ભાજપના હતા. તેમણે નગરપાલિકાની કચેરી પર પણ રોષ કાઢતાં આગ ચાંપી હતી. તેમણે જાલનાના ઘનસાવંગી ખાતેની પંચાયત સમિતિની કચેરીને પણ આગ ચાંપી હતી. આ બધાને પગલે સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પાંચ જિલ્લામાં એસટી સેવા બંધ
મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી)ની બસ સેવા મરાઠવાડાના પાંચ જિલ્લામાં બંધ કરી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મરાઠા અનામતને લઈને આંદોલનકારીઓ દ્વારા કરવામાં આવતી હિંસાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પરભણી, ધારાશિવ, લાતુર, જાલના અને નાંદેડ જિલ્લામાં એસટીની બસ સેવા છેલ્લા ત્રણ ચાર દિવસથી સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે, જ્યારે બીડ, છત્રપતિ સંભાજીનગર અને સોલાપુર જિલ્લામાં બસ સેવા પર અસર થઈ છે. એસટીના ૨૫૦માંથી ૩૬ ડેપોને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. સોમવારે સાંજ સુધીમાં એસટીની ૮૫ બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેમાંથી સૌથી વધુ બીડમાં ૭૦ બસની તોડફોડ કરાઈ હતી. અત્યાર સુધીમાં એસટીને રૂપિયા ચાર કરોડનું નુકસાન થયું છે. ઉ