મરાઠા અનામત આંદોલન: જરાંગે પાટીલ બેભાન | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મરાઠા અનામત આંદોલન: જરાંગે પાટીલ બેભાન

રેલી દરમિયાન ભાષણ આપતા ઢળી પડ્યા મનોજ જરાંગે

મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત આપવાની માગણી સાથે આંદોલનનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે પાટીલ સાતારામાં એક રેલીમાં ભાષણ આપતા વખતે અચાનક બેભાન થઇ ગયા હતા. ભાષણ આપતા વખતે જરાંગેની તબિયત થોડી કથળી હતી અને તે અધવચ્ચે જ બેસી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે મરાઠા સમાજમાં શાંતિ અને જાગરૂકતા ફેલાવવા માટે સાતમી ઑગસ્ટથી જરાંગે દ્વારા પશ્ર્ચિમ મહારાષ્ટ્રમા રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ અભિયાન અંતર્ગત શનિવારે સાતારામાં રેલીનું આયોજન કરાયું હતું, જે દરમિયાન તેમની તબિયત ખરાબ થઇ હતી.

જરાંગેની શાંતિ યાત્રાનો આ ત્રીજો દિવસ હતો અને લોકોને સંબોધતા વખતે તે અચાનક જ નીચે બેસી ગયા હતા. રવિવારે શાંતિ યાત્રા સાતારાથી પુણે પહોંચશે. સવારે અગિયાર વાગ્યે તે પુણેના સ્વારગેટ ખાતે સારસબાગ નજીક પહોંચશે. અહીં તે ડેક્કન ખાતે છત્રપતિ સંભાજી મહારાજના સ્મારકને પુષ્પગુચ્છ અર્પણ કરે અને ત્યારબાદ અલ્કા ટૉલ્કીઝ ચોક ખાતે મરાઠા સમાજના લોકો સાથે જનસભા યોજી લોકોને સંબોધશે.

ઉલ્લેખનીય છે કે મરાઠા સમાજને ઓબીસી ક્વોટા હેઠળ અનામત આપવામાં આવે અને મરાઠા સમાજના લોહીના સંબંધીઓને પણ કુણબી સર્ટિફિકેટ આપવામાં આવે તેવી માગણી સાથે છેલ્લાં ઘણા સમયથી જરાંગે ચળવળ ચલાવી રહ્યા છે.

જરાંગેની ચળવળના કારણે લોકસભાની ચૂંટણી પર અસર થઇ હોવાના અહેવાલ પણ વહેતા થયા હતા ત્યારે વિધાનસભાની ચૂંટણી પર પણ શું મરાઠા અનામત આંદોલનની અસર થશે તેવી ચર્ચા પણ થઇ રહી છે.

Back to top button