મરાઠા આરક્ષણ સરકાર – મનોજ જરાંગે બેઠક નિષ્ફળ
સગાંસંબંધી શબ્દ પર ચર્ચા અટકી
જાલના: મરાઠા આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્ર સરકારનું પ્રતિનિધિમંડળ મનોજ જરાંગે સાથે ચર્ચા કરવા જાલના જિલ્લાના આંતરવાલી સરાટી ગામમાં દાખલ થયું હતું. જોકે, લાંબી ચર્ચા પછી પણ ચર્ચામાંથી કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી સરકાર અને આંદોલનકારી મનોજ જરાંગે વચ્ચેની બેઠક નિષ્ફળ રહી છે. ગિરીશ મહાજનની રજૂઆત અનુસાર નોંધવામાં આવેલા સંબંધિત સગાવહાલા અને લોહીના સંબંધ ધરાવતા દરેક સગા સંબંધીઓને પ્રમાણપત્ર મળવા જોઈએ.,લોહીના સંબંધ શબ્દ ગૃહીત ધરવામાં આવ્યો હતો અને મામા તેમજ મામીને પણ પ્રમાણપત્ર મળવા જોઈએ એ માંગણી સંદર્ભે કોઈ બાંધછોડ કરવા જરાંગે તૈયાર નથી. જોકે, એ પ્રમાણે કરવું શક્ય નથી અને એવો નિર્ણય પણ નહીં લેવાય એવું ગિરીશ મહાજને જણાવ્યું હતું. પરિણામે બુધવારની બેઠક નિષ્ફળ રહી છે.
દરમિયાન આ સંદર્ભે ગિરીશ મહાજને જણાવ્યું કે ઓબીસીના આરક્ષણને નુકસાન ન થાય એ રીતે અમે આરક્ષણ આપવા માગીએ છીએ. ચર્ચાને અવકાશ હશે તો રસ્તો જરૂર નીકળશે. સંબંધી શબ્દ વિશે જરાંગે અને અમારા અભિપ્રાયોમાં ફરક છે. વિમલ મુંદડા કેસનો સંદર્ભ તપાસતા મુંદડા મૂળે શિડયુલ્ડ કાસ્ટના હતા. લગ્ન પછી તેઓ મારવાડી થઈ ગયા. પરિણામે જેમના કુણબી પ્રમાણ છે એ લોકો હવે ઓબીસી છે. એમની સાથે લોહીની સગાઈ ધરાવતા લોકોને આરક્ષણ આપવું બંધનકર્તા છે.
વધુ માહિતી આપતા મહાજને જણાવ્યું કે મહિલાના આધારે તેના બાળકની જાતિ નક્કી નથી થતી. પિતાશ્રીના દાખલા – પ્રમાણપત્રને આધારે બાળકોની જાતિ નક્કી થાય છે. ન્યાયમૂર્તિ શિંદેના અધ્યક્ષપદ હેઠળ રાત દિવસ કામ ચાલી રહ્યું છે. દરેકે દરેક વ્યક્તિની માહિતી ચકાસવામાં આવશે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે. મહિના – દોઢ મહિનામાં એનો ઉકેલ આવી જશે. કાયદા સામે ટકી શકે એવું આરક્ષણ અમે આપવા માગીએ છીએ. મરાઠા આંદોલનકારીઓ મુંબઈ જવા રવાના થયા હોવાની જાણકારી મળતા સાવધાની તરીકે પોલીસે નોટિસ બજાવી છે. પોલીસ તકેદારી રાખે એ જરૂરી છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સાવધાની રાખવી પડશે એમ પણ ગિરીશ મહાજને જણાવ્યું હતું.
દરમિયાન આ બાબતે બોલતા મનોજ જરાંગેએ જણાવ્યું હતું કે ’અમારો સમાજ મુખ્ય પ્રધાને કહ્યું એ અનુસાર કરવામાં પાછો નથી પડ્યો. તેમનું બોલેલું તેઓ જ નથી પાળી રહ્યા. તેમણે જ લેખિત આપ્યું હતું અને એટલે અમને ખોટા ઠેરવી શકે એમ નથી. મોટી મોટી ઘોષણા કરવામાં આવી. ઘરને દરવાજો આપ્યા પણ દરવાજો વાસવા કડી આપી નહીં. આમાંથી ૧૦૦ ટકા રસ્તો નીકળશે. કાયદાના ચોકઠામાં જે બેસે છે એટલી જ અમારી માગણી છે. આંદોલન કેવી રીતે આગળ વધારવું એ ૨૪ તારીખે જોઈશું. એ હવે સરકારના હાથમાં છે.’