મરાઠાઓને મદાર એકનાથ શિંદે પર, જરાંગેએ કહ્યું “શિંદે જ અપાવી શકે અનામત”
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબા સમયથી મરાઠા અનામતનો મુદ્દો મહારાષ્ટ્રમાં જ્વલંત છે અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે મરાઠા સમાજને અનામત આપવા માટે કોઇ સક્ષમ હોય તો તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે છે, તેવો વિશ્ર્વાસ મરાઠા સમુદાયને અનામત આપવા માટે ચળવળ ચલાવી રહેલા મનોજ જરાંગે પાટીલે વ્યક્ત કર્યો છે.
જરાંગેએ મરાઠા સમાજને શિંદે પર ભરોસો હોવાનું જણાવતા કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જ મરાઠા સમાજને અનામત અપાવી શકે એમ છે. તે સાહસી છે. તેમનામાં કામ કરવાની ક્ષમતા છે.
મુખ્ય શિંદે બુધવારે કૉંગ્રેસના નેતા તેમ જ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા નિવેદનને પગલે તેમના પર વરસ્યા હતા અને કૉંગ્રેસને અનામત વિરોધી ગણાવીને રાહુલ ગાંધીની અનામત વિરોધી માનસિકતા છતી કરી હોવાનું જણાવ્યું હતું.
પોતે ખરા શિવસૈનિક તરીકે કામ કરતા રહેશે ત્યાં સુધી અનામતને હટવા નહીં દે તેવો નિર્ધાર લોકો સમક્ષ વ્યક્ત કર્યો હતો અને એવા જ સમયે અત્યાર સુધી સરકાર સમક્ષ રિસામણું વલણ ધરાવનારા મનોજ જરાંગેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પ્રશંસા કરી તેમના પર વિશ્ર્વાસ મૂક્યો હતો.
આ પણ વાંચો : રિઝર્વેશન મુદ્દે રાહુલ પર ભડક્યા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને કહ્યું કે…
જરાંગેએ એકનાથ શિંદે પર વ્યક્ત કરેલા વિશ્ર્વાસ અને શિંદેએ અનામતને અકબંધ રાખવાના આપેલા નિવેદનને ઘણું જ સૂચક માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેએ રાહુલ ગાંધીએ ભારતમાં ન્યાયપૂર્ણ શાસન આવે તો અનામત હટાવવા વિશે કૉંગ્રેસ વિચારી શકે તેવું નિવેદન આપ્યું હતું. જેને પગલે એકનાથ શિંદેએ રાહુલ ગાંધીને અનામત વિરોધી ગણાવી આખરે દુનિયા સમક્ષ રાહુલ ગાંધી અને કૉંગ્રેસની અનામત વિરોધી માનસિકતા છતી થઇ હોવાનું કહી હલ્લાબોલ કર્યો હતો.