…તો પછી અમે પણ લાખોની સંખ્યામાં મુંબઈ આવીશું; ઓબીસી સમાજની ચેતવણી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

…તો પછી અમે પણ લાખોની સંખ્યામાં મુંબઈ આવીશું; ઓબીસી સમાજની ચેતવણી

રાજ્યના પ્રધાન છગન ભુજબળ મનોજ જરાંગે-પાટીલ પર ગુસ્સે થયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
આપણા દેશનું એક બંધારણ અને કાયદો છે. કાયદા મુજબ અનામત આપવામાં આવે છે. ખેડૂત હોવાનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ કુણબી બની જાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મરાઠા સમાજ પછાત નથી. વિધાનસભાના સત્રમાં સર્વાનુમતે ઠરાવ પસાર થાય તો પણ ઓબીસીમાંથી અનામત આપી શકાતી નથી.

તે કાયદામાં ટકશે નહીં, એમ જણાવતાં રાજ્યના પ્રધાન છગન ભુજબળે એવું એલાન કર્યું છે કે જો અમારી સાથે અન્યાય થશે તો અમે પણ લાખોની સંખ્યામાં મુંબઈ આવીશું. તેથી, મરાઠા અનામતને લઈને શરૂ થયેલો વિવાદ વકરવાની શક્યતા છે.

આપણ વાંચો: મરાઠા અનામત: ડ્રાફ્ટ નોટિફિકેશન અંતિમ નથી, ઓબીસી નેતાઓ વિરોધ નોંધાવી શકે : બાવનકુળે

ઓબીસી સમુદાયના અગ્રણી નેતાઓની બેઠક બાદ છગન ભુજબળે કહ્યું હતું કે ઓબીસીમાંથી અનામત આપવાનું કોઈપણ મુખ્ય પ્રધાનના હાથમાં નથી. બ્રાહ્મણ સમાજ પણ ખેતી કરે છે, તો શું તેઓ પણ કુણબી બની જશે?, ઈડબલ્યુએસ અનામત આર્થિક રીતે પછાત લોકોને આપવામાં આવી છે. કોઈ જાતિને ઓબીસીમાં સમાવી શકાય નહીં.

કોઈને આ અધિકાર નથી. હાલમાં ઓબીસી શ્રેણીમાં 374 જાતિ છે. ઈડબ્લ્યુએસ ઉપરાંત મરાઠા સમુદાયને 10 ટકા વધુ અનામત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. પવાર હોય કે ફડણવીસ, કોઈ પણ જાતિઓને ઓબીસીમાં સમાવી શકે નહીં. જે પેટા જાતિઓ હતી તે ઓબીસી હેઠળ આવી ગઈ છે. તેમણે કહ્યું કે તેઓ ઓબીસીના હિસ્સામાં બીજો હિસ્સો ઇચ્છતા નથી.

છગન ભુજબળે એવી ચેતવણી આપી હતી કે જો અમારી સામે જાણી જોઈને અન્યાય કરવામાં આવશે તો અમે ગણેશોત્સવ પછી મુંબઈ પણ આવીશું. હું અહીં ઓબીસીના નેતા તરીકે બેઠો છું, હું ઓબીસીના નેતા તરીકે કેબિનેટમાં પણ બેઠો છું.

ફક્ત આજે જ નહીં, પરંતુ 35 વર્ષથી. જો પ્રધાનો મરાઠા તરીકે ત્યાં જઈ રહ્યા છે, તો હું પણ ગરીબ ઓબીસી માટે લડી શકું છું. ભુજબળે એવી પણ માગણી કરી હતી કે નકલી પ્રમાણપત્રો લેનારાઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button