મરાઠા અનામતનું કોકડું ગૂંચવાય તેવી શક્યતા, હાઇ કોર્ટમાં મરાઠા અનામત રદ કરવાની અરજી

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું અને તેમાં મરાઠા અનામતનો ખરડો મંજૂર થયો હતો. જોકે, અનામત કાયદાની દૃષ્ટીએ અયોગ્ય ઠરશે અને રદ કરાશે, તેવી અટકળો ચાલું થઇ ગઇ હતી. એવામાં મરાઠા સમાજને આપવામાં આવેલા અનામતના માર્ગમાં વધુ એક અડચણ આવી છે. બોમ્બે હાઇ કોર્ટમાં મરાઠા અનામત વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.
મરાઠા સમાજને શિક્ષણ અને સરકારી નોકરીમાં દસ ટકા અનામત આપવાની ભલામણ રદ કરવામાં આવે, એવી માગણી હાઇ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કરવામાં આવી છે. આ જનહિતની અરજી ઓબીસી વેલફેર ફાઉન્ડેશન દ્વારા દાખલ કરાઇ છે. અરજીમાં રાજ્યના પછાત વર્ગના આયોગના અધ્યક્ષ સુનિલ શુક્રેની નિયુક્તિને પણ પડકારવામાં આવી છે. શુક્રે અને અન્ય સભ્યોની નિયુક્તિના આદેશને રદ કરવાની માગણી અરજીમાં કરવામાં આવી છે. તેમની નિયુક્તિ કાયદેસરની પ્રક્રિયાનું પાલન કર્યા વિના કરવામાં આવી હોવાનું અરજીમાં જણાવવામાં આવ્યું છે.