મનોજ જરાંગેના આંદોલનની ફળશ્રુતિ શું?રાજ્ય સરકારે નમતું જ લેવાનું હતું તો પાંચ દિવસ મુંબઈગરાને કેમ હેરાન કર્યા? ફડણવીસની રમત કે મરાઠા નેતાઓનું દબાણ?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા સમાજને અનામત અપાવવા માટે ચાલી રહેલા આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગે-પાટીલના ઉપવાસના પાંચમા દિવસે તેમની મોટા ભાગની માગણીઓ સ્વીકારી લેવામાં આવી હોવાનો સંદેશ રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવ્યો હતો, ખાસ કરીને જ્યારે પાંચ પાંચ દિવસથી મુંબઈગરા હેરાનગતિ સહન કરી રહ્યા હોવાનું નોંધીને બોમ્બે હાઈ કોર્ટે જરાંગે-પાટીલને આઝાદ મેદાન છોડી જવાનું અલ્ટિમેટમ આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યા હોવાથી આખા પ્રકરણમાં મોટું રાજકારણ રમાયું હોવાની શંકાઓ ઉપસ્થિત થઈ રહી છે. કેમ કે હવે આ નિર્ણય લેવાયો ન હોત તો પણ મુંબઈગરાને આ ત્રાસમાંથી મુક્તિ હાઈ કોર્ટના આદેશને કારણે મળવાની જ હતી.
વાસ્તવમાં જ્યારે મુંબઈગરા હેરાન થઈ રહ્યા હતા ત્યારે વારંવાર સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું હતું કે જરાંગેની માગણી સ્વીકાર્ય નથી અને બીજી તરફ મુંબઈમાં મરાઠા આંદોલકોને અંધાધૂંધી ફેલાવવા માટે છૂટો દોર આપવામાં આવ્યો હતો. રસ્તા જામ કરવાનું હોય કે પછી છત્રપતિ શિવાજી ટર્મિનસ જેવા વ્યસ્ત રેલવે ટર્મિનસ પર ધમાલ કરીને લોકોને હાલાકી કરાવવાનું કામ કરી રહેલા મરાઠા આંદોલકોને પોલીસ/વહીવટીતંત્ર ફક્ત મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી હતી.
બોમ્બે હાઈ કોર્ટે જ્યારે સ્થિતિ પોતાના હાથમાં લઈને મરાઠા આંદોલકો સામે ચાબુક વિંઝ્યો અને સુનિશ્ર્ચિત થઈ ગયું કે હવે મુંબઈગરાને આ ત્રાસમાંથી મુક્તિ મળશે ત્યારે અચાનક રાજ્ય સરકારે જરાંગે-પાટીલની બધી માગણીઓ સ્વીકારી લેતાં એવો સવાલ થાય છે કે જો સરકારે નમતું જ જોખવાનું હતું તો પાંચ દિવસ સુધી મુંબઈગરાને હેરાન કેમ કર્યા હતા? આની પાછળ શું રાજરમત હતી? શું ફડણવીસની સ્થિતિ કમજોર કરવાનું કાવતરું હતું કે પછી મરાઠા નેતાઓનું દબાણ જવાબદાર હતું.
રાજકીય નિરિક્ષકોના માનવા મુજબ જે રીતે જરાંગે પાટીલનું વલણ પહેલા જ દિવસથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરોધી હતું તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું હતું ફડણવીસને મુશ્કેલીમાં મુકવાના હેતુથી જ આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. એમાંય જે રીતે રાજ્યના બંને નાયબ મુખ્ય પ્રધાનો મુંબઈની બહાર જતા રહ્યા હતા તેમાં પણ ફડણવીસને સમસ્યામાં ફસાવવાનો કારસો દેખાતો હતો. અહીં ઉલ્લેખનીય છે કે બંને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર આંદોલન કરી રહેલા મરાઠા સમાજના જ છે.
અન્ય કેટલાક રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે જરાંગે-પાટીલના અપશબ્દો અને વર્તનથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ખાસ્સા નારાજ હતા અને તેઓ મરાઠા આંદોલન સમક્ષ નમતું જોખવા તૈયાર નહોતા, પરંતુ રાજ્યના મરાઠા સમાજના નેતાઓના દબાણ સામે તેમને ઝૂકવાની ફરજ પડી હતી. ભાજપના પીઢ નેતા ચંદ્રકાંત પાટીલ આંદોલનકારીઓને અનૂકૂળ ન હોવાથી તેમને હટાવીને એનસીપીમાંથી આવેલા રાધાકૃષ્ણ વિખે-પાટીલને વિધાનભવનની પેટા-સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને જસ્ટિસ શિંદેની અન્ય પેટા-સમિતિને જરાંગે-પાટીલ સાથે વાટાઘાટો માટે મોકલવામાં આવી હતી.
હૈદરાબાદ ગેઝેટને લાગુ કરવાનો નિર્ણય અને સગેસોયરે (સગાંસંબંધી) અને વંશાવળીનો નિર્ણય પહેલાં પણ લઈ શકાયો હોત અને બાકીના આશ્ર્વાસનો પહેલાં પણ આપી શકાયા હોત, પરંતુ જાણી જોઈને આ નિર્ણય લેવામાં વિલંબ કરવામાં આવ્યો હતો.
એક રાજકીય વિશ્ર્લેષકે એ બાબત પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જ્યારે મુંબઈ આવ્યા હતા ત્યારે સહ્યાદ્રી અતિથિગૃહમાં તેમણે એકનાથ શિંદે સાથે ખાનગી બેઠક કરી હતી. આ બેઠક બાદ તરત જ એકનાથ શિંદે પોતાના વતન સાતારાના દરે ગામ જવા રવાના થઈ ગયા હતા. આ કદાચ રાજરમતના સૂચિતાર્થ હોઈ શકે છે.