આખરે સીએસએમટી ખાલી થયું, શિષ્ટમંડળ મળ્યું જરાંગે પાટીલને

મુંબઈઃ સોમવારે હાઈકોર્ટે મરાઠા આરક્ષણની માગણી કરનારા જરાંગે પાટીલ અને તેમના સમથર્કોને આઝાદ મેદાન અને આસપાસનો વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે મંગળવારે સવારે જરાંગે પાટીલે ઉપવાસ છોડવાની અને મેદાન છોડવાની પણ ના પાડી હતી, પરંતુ હાલમાં મળતી માહિતી અનુસાર મરાઠા સમર્થકો આઝાદ મેદાન છોડી રહ્યા છે અને સીએસટી વિસ્તાર, જે છેલ્લા ચાર દિવસથી બાનમાં હતો તે વિસ્તાર ખાલી થઈ રહ્યો છે. અહીં પોલીસ અને આરપીએફ બટાલિયનનો ભારે બંદોબસ્ત છે.
બીજી બાજુ જરાંગે પાટીલની તબિયત લથડી હતી અને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે રાધાકૃષ્ણ વિખે પાટીલ સહિતનું શિષ્ટમંડળ તેમને મળવા આવ્યું હતું. તેમણે જરાંગે પાટીલ સાથે વાત કરી હતી. તેમણે રાજ્ય સરકારે આરક્ષણ મુદ્દે હૈદરાબાદ ગેજેટ્સને અમલમાં મૂકવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે તેમ જણાવ્યું. પાટીલે આ પરિપત્ર બધા સમક્ષ વાંચ્યો. વિખે પાટીલે કહ્યું કે આ નિર્ણય જો તમને માન્ય હોય તો અમે તેની અધિસૂચના કાઢશું, પરંતુ જરાંગે પાટીલે એવી શરત મૂકી કે તમે અધિસૂચના બહાર પાડો એટલે અમે રાત્રે નવ વાગ્યા સુધીમાં મુંબઈ ખાલી કરશું. હવે રાજ્ય સરકારે આ મામલે શું કરે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: બસની તોડફોડ અને પ્રવાસીઓની મારપીટ: 10 મરાઠા કાર્યકર સામે ગુનો
દરમિયાન પોલીસે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બહાર પાર્ક કરેલા મરાઠા સમર્થકોના વાહનો હટાવી લીધા છે અને આ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા હવે સામાન્ય થવા જઈ રહી છે. ઉપરાંત, વાશી, ઐરોલી અને થાણેમાં નાકાબંધી કરવામાં આવી છે અને મરાઠાઓના વાહનો શહેરની બહાર રોકવામાં આવી રહ્યા છે. વિરોધીઓને પહોંચાડવામાં આવનારી ખાદ્ય સહાયને જ મુંબઈ લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે, તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે.