આમચી મુંબઈ

મરાઠા આરક્ષણ

૧૧,૦૦૦ જૂના દસ્તાવેજોમાં કુણબી જાતિનો ઉલ્લેખ, નવા પ્રમાણપત્રો અપાશે: શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે ૧૧,૫૩૦ જૂના દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાં કુણબી જાતિનો ઉલ્લેખ છે અને મંગળવારથી નવા પ્રમાણપત્રો આપવાનું ચાલુ કરવામાં આવશે.

મરાઠા સમાજ દ્વારા આરક્ષણની માગણી માટે આખા રાજ્યમાં જોરદાર અને હિંસક આંદોલન કરવામાં આવી રહ્યા છે.

કુણબી, ખેતી સાથે સંકળાયેલી જાતી છે. તેમને અન્ય પછાત વર્ગ (ઓબીસી) હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમને મહારાષ્ટ્રમાં આરક્ષણનો લાભ આપવામાં આવે છે.
મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે નિષ્ણાતોની ત્રણ સભ્યોની સમિતિએ રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટમાં મરાઠા આરક્ષણ સંબંધી ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર કેવી રીતે આપી શકાય તે બાબતે અહેવાલ રજૂ કરવા માટે જે જસ્ટિસ સંદીપ શિંદે (નિવૃત) હેઠળની સમિતિ ગઠિત કરવામાં આવી હતી તેઓ મંગળવારે પોતાનો અહેવાલ કેબિનેટની બેઠકમાં રજૂ કરશે.

મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલના ઉપવાસ છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યા હતા, તેમને સંબોધતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સરકારી પ્રતિનિધિ મંગળવારે તેમની સાથે ચર્ચા કરશે. રાજ્ય સરકારને થોડો સમય જોઈએ છે અને તેમણે આ સમય આપવો જોઈએ.

શિંદેએ એમ પણ કહ્યું હતું કે જરાંગેએ આંદોલન બાબતે થોડા સંયમિત રહેવું જોઈએ, તેમનો સંકેત રાજ્યમાં થઈ રહેલી હિંસા અંગે હતો.

તેમણે એમ પણ કહ્યું હતું કે નિષ્ણાતોની એક સમિતિ ગઠિત કરવામાં આવશે જે રાજ્ય સરકારને ક્યુરેટિવ પિટિશન અંગે સલાહ આપશે. નિષ્ણાતોની સમિતિમાં ત્રણ નિવૃત ન્યાયમૂર્તી હશે.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર મરાઠા આરક્ષણને જાળવી રાખવામાં કેમ નિષ્ફળ ગઈ તે ભાબતે ઊંડા ઉતરવાની માગતા નથી.

શિંદેએ કહ્યું કે સમિતિ અત્યારે નિઝામના સમયના દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. આ ઉપરાંત વંશાવળી, શૈક્ષણિક અને મહેસુલી પુરાવા, નિઝામ કાળ દરમિયાન કરવામાં આવેલા કરાર અને અન્ય સંબંધિત દસ્તાવેજોની ચકાણી કરવામાં આવશે અને પછી મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્રો આપવામાં આવશે.

આ સમિતિ મંગળવારે અહેવાલ રજૂ કરશે અને તેના પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે સમિતિએ ૧.૭૨ કરોડ સરકારી દસ્તાવેજોની ચકાસણી કરી હતી અને તેમાં તેમને ૧૧,૫૩૦ દસ્તાવેજો મળ્યા છે, જેમાં કુણબી જાતીનો ઉલ્લેખ જૂના દસ્તાવેજોમાં કરવામાં આવ્યો છે.

તેમને મંગળવારથી જ કુણબી પ્રમાણપત્ર આપવાનું શરૂ કરી દેવામાં આવશે. મેં સંબંધિત તહેસીલદારોને આની સૂચના આપી દીધી છે.

તેમણે મરાઠા સમાજના લોકોને અંતિમ પગલું લેવાથી દૂર રહેવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે સરકાર અદાલતમાં ટકી શકે એવું આરક્ષણ આપવા માગે છે. તેમણે જરાંગે-પાટીલને તબીબી સારવાર લેવાની અપીલ પણ કરી હતી.

શિવસેનાના સંસદસભ્યોએ આપ્યા રાજીનામાં

મુંબઈ શિવસેનાના સંસદસભ્ય અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વિશ્ર્વાસુ ગણાતાં બે નેતાઓએ મરાઠા આરક્ષણના સમર્થનમાં પોતાનાં રાજીનામાં આપી દીધા છે. હિંગોલીના સંસદસભ્ય હેમંત પાટીલે પોતાનું રાજીનામું લોકસભાના સચિવાલયને મોકલી આપ્યું હતું, જ્યારે નાશિકના સંસદસભ્ય હેમંત ગોડસેએ પોતાનું રાજીનામું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મોકલી આપ્યું છે.

એનસીપીના સંસદસભ્ય સુપ્રિયા સુળે દ્વારા રાજીનામાને સ્ટન્ટ ગણાવવામાં આવ્યો હતો તે બાબતે પ્રતિક્રિયા આપતાં હેમંત પાટીલે કહ્યું હતું કે હું નહેરુ-ગાંધી પરિવારમાં જન્મ્યો નથી. અહીં કેટલાક પરિવારની બે-ત્રણ પેઢીઓ રાજકારણમાં છે. તેમણે આરક્ષણ અપાવવા માટે પહેલ કરવી જોઈતી હતી.

૪૮ કલાકમાં ૧૩ એસટી બસને નુકસાન: ૩૦ ડેપો બંધ

રાજ્યમાં છેલ્લા ૪૮ કલાકમાં એસટીની ૧૩ બસને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેમાં સોમવારે ચાર બસને નુકસાન કરવામાં આવ્યું હતું. મરાઠા આરક્ષણ માટે થઈ રહેલા આંદોલનને પગલે એસટીની બસની કરવામાં આવેલી તોડફોડને ધ્યાનમાં લેતાં રાજ્ય પરિવહન નિગમે પોતાના ૨૫૦માંથી ૩૦ ડેપોને બંધ કરી નાખવાનો નિર્ણય લીધો છે.

છત્રપતિ સંભાજીનગર ડિવિઝનમાં આવતા બીડ, ધારાશિવ (ઉસ્માનાબાદ) અને છત્રપતિ સંભાજીનગર ઝોનને બાદ કરતાં આ ડિવિઝનના બાકીના બધા જ ડેપો બંધ કરી નાખવામાં આવ્યા છે, એમ રાજ્ય પરિવહન નિગમના એક અધિકારીએ સોમવારે કહ્યું હતું.

જરાંગેનો મેડિકલ ચેકઅપનો ઇનકાર

છત્રપતિ સંભાજીનગર: કાર્યકર્તા મનોજ જરાંગે, મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મરાઠા સમુદાયને અનામત આપવાની માગને લઈને અનિશ્ર્ચિત મુદતના ઉપવાસ પર બેઠા છે, તેમણે આરોગ્ય તપાસ કરાવવાની ના પાડી દીધી છે. જાલનાના કાર્યકારી સિવિલ સર્જન ડૉ. પ્રતાપ ઘોડકેએ સોમવારે જણાવ્યું હતું કે આનાથી તેમના મહત્ત્વપૂર્ણ અંગો પર અસર થઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?