આમચી મુંબઈ

મરાઠા ક્વોટા ઓબીસીના ભોગે ન હોવો જોઈએ, ભુજબળે જરાંગે પર નિશાન સાધ્યું

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળે શુક્રવારે પુનરોચ્ચાર કર્યો હતો કે મરાઠાઓને અનામત આપતી વખતે અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટેના હાલના આરક્ષણમાં ઘટાડો થવો જોઈએ નહીં, અને મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેના નિવેદનો પર પણ પ્રહારો કર્યા.

ઓબીસી સમુદાયોની રેલીમાં બોલતા, એનસીપીના નેતાએ પ્રશ્ર્ન કર્યો હતો કે કેવી રીતે અચાનક મરાઠાઓને કુણબી જાતિના હોવાનું દર્શાવતા સંખ્યાબંધ રેકોર્ડ્સ મળી આવ્યા. ભુજબળ અને કૉંગ્રેસના નેતાઓ વિજય વડેટ્ટીવાર, રાજેશ રાઠોડ, બીજેપી એમએલસી ગોપીચંદ પડલકર, પ્રકાશ શેંડગે અને મહાદેવ જાનકર સહિત અન્ય કેટલાક અગ્રણી ઓબીસી નેતાઓ મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં અંબાડ ખાતે ‘ઓબીસી ભટકે વિમુક્ત જાત આરક્ષણ બચાવો યલગાર સભા’ (ઓબીસી અને વિચરતી જાતિના અનામત બચાવવા માટેની રેલી)માં હાજરી આપી હતી. આ સભા અંતરવાલી સરાતી ગામથી ૨૫ કિમી દૂર બની હતી જ્યાં જરાંગે મરાઠા ક્વોટાની માંગ માટે પ્રથમ ઑગસ્ટમાં અને ફરીથી ઑક્ટોબરમાં ભૂખ હડતાળ શરૂ કરી હતી. ભુજબળે જણાવ્યું હતું કે ઓબીસીને બંધારણીય રીતે અને સર્વોચ્ચ અદાલતની મંજૂરી પછી અનામત મળ્યું છે. તે (જરાંગે) કહે છે કે અમે ૭૦ વર્ષથી તેમની (મરાઠા સમુદાય) અનામત છીનવી લીધી છે. શું અમે જરાંગેના પરિવારની કોઈ વસ્તુ છીનવી રહ્યા છીએ? અમે મરાઠા આરક્ષણનો વિરોધ નથી કરતા, પરંતુ ઓબીસી ક્વોટા પર કોઈ અતિક્રમણ ન થવું જોઈએ. જરાંગેની ભૂખ હડતાળ બાદ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે એવા મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવાનું નક્કી કર્યું જેઓ અગાઉના હૈદરાબાદ રાજ્યના રેકોર્ડ્સ રજૂ કરી શકે જ્યાં તેમના પૂર્વજોને કુણબી સમુદાયના હોવાનું વર્ણવવામાં આવ્યું હતું જેથી તેઓ ઓબીસી ક્વોટાનો લાભ લઈ શકે.

ભુજબળે વધુમાં કહ્યું શરૂઆતમાં મરાઠવાડામાં ૫,૦૦૦ રેકોર્ડ મળી આવ્યા હતા જે નિઝામના હૈદરાબાદ રાજ્યનો ભાગ હતો (૧૯૪૮ પહેલા). બાદમાં આ સંખ્યા વધીને ૧૩,૫૦૦ થઈ ગઈ. તેલંગણામાં ચૂંટણીઓ હતી ત્યારે પણ આ સંખ્યા વધી ગઈ હતી . ઓબીસી નેતાઓએ રાજ્યના દરેક તાલુકામાં આવી રેલીઓ યોજવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. તેણે જરાંગે પર પણ કટાક્ષ કરતા કહ્યું કે સપ્ટેમ્બરમાં અંતરવાલી સરાતીમાં મરાઠા વિરોધીઓ પર લાઠીચાર્જ થયા પછી, “તે ઘરે ગયો અને સૂઈ ગયો. ઘટના (લાઠીચાર્જની)ની સત્યતા બહાર આવી ન હતી. પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેનાથી તેઓ નિરાશ થયા હતા. પરિણામે, પોલીસે બીડ શહેર અને માજલગાંવ (જ્યાં ગયા મહિને મરાઠા ક્વોટા આંદોલન હિંસક બન્યું હતું)માં કાર્યવાહી કરી ન હતી. જ્ઞાતિની વસ્તી ગણતરી તાત્કાલિક હાથ ધરવી જોઈએ અને તેનાથી ચિત્ર સ્પષ્ટ થશે. તેમણે મરાઠાઓને આરક્ષણ ન મળે ત્યાં સુધી રાજકીય નેતાઓને તેમના ગામમાં પ્રવેશવા ન દેવાની જરાંગેની લોકોને અપીલની પણ ટીકા કરી. રાજ્યમાં લોકશાહી છે. શું આ લોકો રાજ્યની માલિકી ધરાવે છે? હું મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને અપીલ કરું છું કે નેતાઓ માટે નો એન્ટ્રી કહેતા બોર્ડ હટાવવા જોઈએ. શું ત્યાં કાયદો વ્યવસ્થા છે કે નહીં? વડેટ્ટીવાર, જેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા છે, તેમણે કહ્યું કે જાતિ ગણતરીની માંગ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ઉઠાવવી જોઈએ. જો ઓબીસી અનામતમાં અતિક્રમણ થશે તો અમે ચૂપ બેસીશું નહીં, તેમણે ચેતવણી આપી હતી.

પીટીઆઈ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button