મરાઠા ક્વોટા, લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષની તૈયારી, પવાર-ઠાકરેની મીટિંગના મુખ્ય મુદ્દા: રાઉત
મુંબઈ : શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) નેતા સંજય રાઉતે બુધવારે જણાવ્યું હતું કે, મરાઠા ક્વોટાની માંગને કારણે ઊભી થયેલી મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અને આગામી વર્ષની લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે વિપક્ષની તૈયારી રૂપે કેટલાક મુદ્દાની ચર્ચા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે તેમની બેઠક દરમિયાન કરી હતી.
પત્રકારો સાથે વાત કરતા, તેમણે કહ્યું કે સેના (યુબીટી)ના વડા ઠાકરે અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ પવાર વચ્ચે મંગળવારે તેમના નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’ ખાતે બેઠક થઈ હતી. કૉંગ્રેસના નેતાઓ પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી મીટિંગ માટે હાજર ન હતા. ઉદ્ધવજી અને પવાર સાહેબે મરાઠા ક્વોટાની માગ પરના આંદોલન પછી મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અને વિપક્ષે જે સ્ટેન્ડ લેવાની જરૂર છે તેના પર ચર્ચા કરી હતી. જો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણી એકસાથે યોજવામાં આવે, તો વિપક્ષની વ્યૂહરચના શું હોવી જોઈએ અને સીટ-શેરિંગ ફોર્મ્યુલા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અંતિમ બેઠક દિલ્હીમાં યોજવામાં આવશે, તેમણે ઉમેર્યું હતું કે, મહાવિકાસ અઘાડી સાથી પક્ષોમાં કોઈ મતભેદ નથી અને બધું સરળતાથી નક્કી કરવામાં આવશે. એમવીએમાં શિવસેના (યુબીટી), શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કૉંગ્રેસનો સમાવેશ થાય છે. (પીટીઆઈ)ઉ