આમચી મુંબઈ

ઓબીસી સમાજના વિરોધનાં પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં મરાઠા ક્વોટા અસંભવ?

મુંબઈ: મનોજ જરાંગે પાટિલના નેતૃત્વમાં મરાઠા સમાજને કુણબી સર્ટિફિકેટ આપીને ઓબીસીમાં સમાવેશ કરવાની માગનું આંદોલન ઓબીસી સમાજના વિરોધ સાથે મહારષ્ટ્રમાં વધુ વિવાદ ઉભો કરે તેવી શક્યતાઓ ઉભી થઇ છે. છગન ભુજબળે ખુલ્લેઆમ જરાંગે પાટીલની માંગનો વિરોધ કર્યો છે. તો બીજી બાજુ જરાંગે પાટીલ આકરા તેવર બતાવી રહ્યા છે, ત્યારે બંને સમાજ વચ્ચે વિખવાદમાં સરકાર કોઈનો પણ પક્ષ લેવા માંગશે નહીં તે સ્પષ્ટ છે.
મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલે સમગ્ર મરાઠા સમુદાયને ઓબીસી કેટેગરી હેઠળ આરક્ષણ માટે કુણબી પ્રમાણપત્ર આપવાની માંગ કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સ્વયં અંતરવાળી સરાતીની મુલાકાત લઈને તેમની તમામ માંગણીઓ પર વિચાર કરવાનું વચન આપ્યું હતું. રાજ્ય સરકારે બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સંદીપ શિંદેના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી. સમિતિના અહેવાલે સમગ્ર રાજ્યમાં મરાઠાઓમાં કુણબી સંદર્ભો સ્થાપિત કરવાની શરૂઆત કરી.
શરૂઆતમાં, ઓબીસી નેતાઓ મરાઠાવાડા પ્રદેશમાં મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો આપવા અંગે વિચારણા કરવા તૈયાર હતા. પરંતુ જ્યારે જરાંગે-પાટીલે કુણબી પ્રમાણપત્રોનો વિસ્તાર સમગ્ર મહારાષ્ટ્ર માટે વિસ્તર્યો ત્યારે ઓબીસી નેતાઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યો છે. ઓબીસી જન મંચના નેતા પ્રકાશ શેંડગેએ જણાવ્યું હતું કે, ઓબીસી કેટેગરીમાં ૩૦૦ થી વધુ જાતિ/સમુદાયને સ્થાન આપવામાં આવ્યું છે. જો તેમાં મરાઠાઓનો સમાવેશ થશે તો તે ઓબીસી સમુદાયો સાથે અન્યાય થશે, જેમનો હિસ્સો મોટા પ્રમાણમાં ઘટી જશે. તેથી, અમે મરાઠાઓને ઓબીસીમાં સમાવવાના પ્રસ્તાવને સંપૂર્ણ રીતે નકારી કાઢીએ છીએ.”
રાષ્ટ્રીય ઓબીસી મહાસંઘના પ્રમુખ બબનરાવ તાયવાડેએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો જારી કરતી વખતે, જાતિની માન્યતાની મોટી સમસ્યાઓને નજરઅંદાજ કરવામાં આવી છે. માન્યતા સ્થાપિત કરવા માટે, આપણે પરિવાર અને સંબંધીઓની છેલ્લી બે પેઢીના આવક અને શિક્ષણના દસ્તાવેજી પુરાવા જોવાની જરૂર છે.”
રાજ્યમાં ઓબીસીની વસ્તી ૫૨ ટકા છે તો મરાઠાઓની વસ્તી ૩૩ ટકા છે. શાસક ગઠબંધન અને વિપક્ષના ઓબીસી નેતાઓ સાગમટે મરાઠાઓના ઓબીસી પ્રવેશનો વિરોધ કરી રહ્યા હોવાથી વાતાવરણ ડહોળાયેલું છે. સરકાર કોઈની તરફેણ કે વિરોધમાં બોલી શકવાની સ્થિતિમાં નથી અને આ મામલે મહારાષ્ટ્રમાં ઉભું થયેલ ધર્મસંકટ આવનાર સમયમાં સ્થિતિ થાળે પડે તેવા એંધાણ આપતું નથી.

મરાઠા સમુદાય યોગ્ય આરક્ષણ ઇચ્છે છે: કાર્યકર્તા જરાંગે
પુણે: કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલે મરાઠાઓ સાથે વાતચીત કરવા અને અનામતના મુદ્દા અંગે જાગૃતિ લાવવા રાજ્યના ભાગોની મુલાકાતના ભાગરૂપે મહારાષ્ટ્રના પુણે શહેરના ખરાડી વિસ્તારમાં એક જાહેર સભાને સંબોધિત કરતા સોમવારે મરાઠા ક્વોટા માટેની તેમની માંગને પુનરાવર્તિત કરી અને કહ્યું કે સમુદાય સરકારી નોકરીઓ અને શિક્ષણમાં યોગ્ય આરક્ષણ ઇચ્છે છે.
કાર્યકર્તાએ કહ્યું કે તેને સરકાર દ્વારા નિયુક્ત કમિટી દ્વારા દસ્તાવેજોની ચકાસણી પર મળેલી માહિતી મુજબ, અત્યાર સુધીમાં ૨૯ લાખ કેસ મળી આવ્યા છે જ્યાં મરાઠાઓને લગતા સંબંધિત દસ્તાવેજોમાં “કુણબી” નો ઉલ્લેખ છે. જો આ હકીકત છે, તો મરાઠા સમુદાય છેલ્લા ૭૦ વર્ષથી આરક્ષણથી કેમ વંચિત છે? જો દસ્તાવેજોમાં મરાઠાઓ કુણબી (પૂર્વવર્તી) હોવાના પુરાવા છે, તો અમારે તે વ્યક્તિનું નામ જાણવાની જરૂર છે જેણે મરાઠાઓને અત્યાર સુધી આરક્ષણથી વંચિત રાખ્યા. આ મુદ્દે સરકારને વધુ સમય આપવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમને અમારું યોગ્ય આરક્ષણ જોઈએ છે, અને અમે તે મેળવીશું.
જાહેર સભા પહેલા અહીં જરાંગેના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button