Maratha Military Landscapes: છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાને ‘વર્લ્ડ હેરિટેજ’માં સામેલ કરવામાં આવશે, સરકારે તૈયાર કરી યાદી
મુંબઈ: આગામી સમયમાં મહરાષ્ટ્રના સમૃદ્ધ ઐતિહાસિક વારસાને ગૌરવપૂર્ણ ઓળખ મળી શકે છે. અહેવાલ મુજબ વર્ષ 2024-25ની વર્લ્ડ હેરિટેજની લિસ્ટ માટે ભારત સરકાર મરાઠા સામ્રાજ્યના ઐતિહાસિક વારસાના નામ મોકલી રહી છે. તેમાં મહારાષ્ટ્રનો સાલ્હેર કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા કિલ્લો, વિજય દુર્ગ, સિંધુદુર્ગ અને તમિલનાડુનો ગિન્ગી કિલ્લો સામેલ છે.
આ તમામ કિલ્લાઓ અને મરાઠા વારસા પ્રતીકો વૈવિધ્યસભર ભૌગોલિક સ્થાન પર સ્થિત છે. આ કિલ્લાઓ જે તે સમયના મરાઠા સામ્રાજ્યની લશ્કરી તાકાતને દર્શાવે છે. ભારત સરકાર આ વખતે મરાઠા લશ્કરી સ્થળોને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ માટે મોકલી રહી છે. આ તમામ કિલ્લો 17મી અને 19મી સદી વચ્ચે બાંધવામાં આવ્યા હતા.
મરાઠા સમયમાં પર્વતમાળાઓમાં, દરિયાકિનારે, ટાપુઓમાં કિલ્લાઓનું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું. સહ્યાદ્રી પર્વતોથી લઈને કોંકણના કિનારા સુધી, ડેક્કનના ઉચ્ચપ્રદેશથી પૂર્વ ઘાટ સુધી મહારાષ્ટ્રમાં કુલ 390 કિલ્લાઓ છે.
પરંતુ મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ હેઠળ માત્ર 12ની પસંદગી કરવામાં આવી છે. 12 માંથી 8 ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત છે. જેમાં શિવનેરી કિલ્લો, લોહાગઢ, રાયગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા કિલ્લો, વિજયદુર્ગ, સિંધુદુર્ગ અને જીંજી કિલ્લાનો સમવેશ થાય છે.. જ્યારે સાલ્હેર કિલ્લો, રાજગઢ, ખંડેરી અને પ્રતાપગઢનું સંચાલન મહારાષ્ટ્ર સરકારના પુરાતત્વ અને સંગ્રહાલયો દ્વારા કરવામાં આવે છે.
સમગ્ર દેશમાં 42 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. જેમાંથી 34 સાંસ્કૃતિક કેટેગરીમાં અને સાત કુદરતી કેટેગરીમાં આવે છે. મહારાષ્ટ્રમાં છ વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. જેમાંથી પાંચ સાંસ્કૃતિક અને એક કુદરતી છે. જેમાં અજંતા અને ઈલોરા ગુફાઓ (1983), એલિફન્ટા ગુફાઓ (1987), છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (2004), મુંબઈના વિક્ટોરિયન ગોથિક અને આર્ટ ડેકો એન્સેમ્બલ્સ (2018), મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ (2012)નો સમાવેશ થાય છે.