આત્મહત્યા કરતા પહેલા પરિવાર વિશે વિચારો…’, સીએમ શિંદેની અપીલ
મરાઠા આરક્ષણ પર કહી મોટી વાત
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણેમાં મરાઠા આરક્ષણ મુદ્દે લોકોને ભાવનાત્મક અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે મરાઠા સમુદાયને અનામત આપવાની જવાબદારી સરકારની છે, અમે તેના માટે કામ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે મરાઠા આરક્ષણ મુદ્દે હાલમાં જ એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે.
સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ‘મરાઠા સમુદાયના બે લોકોએ આત્મહત્યા કરી છે. હું પણ મરાઠા સમુદાયનો છું અને એક ખેડૂતનો પુત્ર છું, જેમણે આત્મહત્યા કરી છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું અપીલ કરવા માંગુ છું કે આવા પગલા લેતા પહેલા કૃપા કરીને તમારા પરિવાર વિશે વિચારો.’
સીએમ શિંદેએ કહ્યું કે મરાઠા સમુદાયને અનામત આપવાની જવાબદારી સરકારની છે અને અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ. મરાઠા આરક્ષણ પર રાજ્ય સરકારની ક્યુરેટિવ પિટિશનને સુપ્રીમ કોર્ટે સ્વીકારતાની સાથે જ મરાઠા સમુદાયના આરક્ષણ માટે એક મોટી બારી ખુલી ગઈ છે.
તેમણે કહ્યું હતું કે અમે મરાઠાવાડામાં મરાઠા સમુદાયના લોકો જેમની પાસે જૂના રેકોર્ડ છે તેમને કુણબી પ્રમાણપત્ર આપવા માટે એક સમિતિની નિમણૂક કરી હતી. હું મારી વાત રાખી રહ્યો છું. હું જૂઠું બોલીશ નહીં અને મરાઠા સમુદાયને ગેરમાર્ગે દોરીશ નહીં. હું કોઈ ખોટા વચનો નહીં આપીશ. મરાઠા સમુદાયને અનામત આપવાની અમારી સરકારની ફરજ છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સરકાર મરાઠા સમુદાયને અનામત આપવા માટે પ્રતિબદ્ધ છે. સાથે જ એ પણ સુનિશ્ચિત કરશે કે અન્ય સમુદાયોના આરક્ષણને અસર ન થાય.