મહારાષ્ટ્ર સરકારની નવી નિકાસ નીતિથી લોકોને શું થશે ફાયદો, જાણો
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે નવી નિકાસ નીતિની જાહેરાત કરી છે, તેનાથી રાજ્યમાં નવા રોકાણની તકોનું નિર્માણ થવાની સાથે નવી રોજગારી ઊભી થશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં વેપાર-ધંધાને આગળ વધારવા રાજ્ય સરકારે નિકાસની નીતિને મંજૂરી આપી છે. આ યોજનાને કારણે રાજ્યમાં 25,000 કરોડ રૂપિયાનું રોકાણ અને 40,000 લોકોને રોજગાર મળશે.
આ નીતિ હેઠળ રાજ્યમાં રોકાણ વધે તે માટે ટેક્સટાઇલ પોલિસીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે અને બારામતી ખાતે ડોગ ટ્રેનિંગ સેન્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ વિદર્ભમાં 5 ઓરેન્જ પ્રોસેસિંગ સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવા આવ્યો છે તેમ જ કેબિનેટે નરીમન પોઈન્ટ ખાતે આવેલી એર ઈન્ડિયાની ઈમારતને પણ ખરીદવાની તૈયારી દર્શાવી હતી.
આ નવી નિકાસ નીતિ 2027-28 સુધી લાગુ કરવામાં આવશે જેને કારણે મહારાષ્ટ્રના લગભગ 5,000 એમએસએમઇ અને મોટા ઉદ્યોગોને લાભ મળશે તેવી આશા રાજ્ય સરકારે વ્યક્ત કરી હતી. આ નીતિના માળખાકીય કામકાજો માટે ચોક્કસ નિકાસલક્ષી પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલ પ્રોજેક્ટ માટે 50 કરોડની મર્યાદા અને નિકાસલક્ષી ઔદ્યોગિક પાર્ક માટે રૂ. 100 કરોડની નાણાકીય સહાય પૂરી પાડશે. આ સાથે નિકાસ યોગ્ય એમએસએમઇને વીમા કવચ, વ્યાજ સબસિડી અને નિકાસ પ્રોત્સાહન સબસિડી પણ આપવામાં આવશે.
મે મહિનામાં રાજ્ય સરકારે નવી કાપડ ઉદ્યોગ નીતિ જાહેર કરી હતી અને આ નવી નીતિથી 5 લાખ નવી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. આ પોલિસીમાં ટેક્સટાઇલ ઉદ્યોગના અને અનેક સંગઠનોના સૂચનો બાદ આ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યા હતો. સાથેજ નંદુરબાર જિલ્લાને ઝોન ત્રણમાંથી ઝોન બેમાં ખસેડવામાં આવ્યો છે. કેબિનેટે મોટા ટેક્સટાઇલ પ્રોજેક્ટ્સની સ્થિતિને અપગ્રેડ કરવા અને તેને પ્રોત્સાહિત કરવા મંજૂરી આપી છે.
રાજ્ય સરકાર નરીમાન પોઈન્ટ ખાતે આવેલી એર ઈન્ડિયાની ભવ્ય ઈમારત 1601 કરોડ રૂપિયામાં ખરીદશે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેબિનેટે એર ઈન્ડિયાની તમામ ડૂબી ગયેલી આવક અને અન્ય દંડને માફ કરવાનો નિર્ણય લીધો હતો. 22 માળની આ ઇમારતમાં 46,470 ચોરસ મીટર જગ્યા પર બનાવવામાં આવેલી છે.
આ પહેલા પણ મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારે એર ઈન્ડિયા બિલ્ડિંગ ખરીદવા માટે કેન્દ્ર સરકાર સામે 1400 કરોડ રૂપિયાની દરખાસ્ત મૂકી હતી, પરંતુ તે સમયે 2000 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી, જેના કારણે આ ડીલ સ્થગિત કરી હતી.