‘મંત્રાલયમાં કાર્ડ કૌભાંડ?’
સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલા ડીજીપ્રવેશના હજારો કાર્ડ છેલ્લા કેટલાક દિવસમાં ગુમ થયા હોવાની ચોંકાવનારી માહિતી

વિપુલ વૈદ્ય
મુંબઈ: મંત્રાલયની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આધુનિક સિસ્ટમ હવે ગંભીર શંકાના ઘેરામાં આવી ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા કડક કરવાના નામે અમલમાં મુકાયેલી આ સિસ્ટમ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ સિસ્ટમમાં મંત્રાલયમાં આવતા દરેક મુલાકાતીનું કડક રીતે નોંધણી થાય અને સુરક્ષા માટે કોઈ જોખમ ન રહે એવો હેતુ હતો, પરંતુ હવે આ જ સિસ્ટમમાંથી એક મોટી ચોંકાવનારી હકીકત જાણવા મળી છે.
રાજ્યની ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયનો હેતુ સ્પષ્ટ હતો: ‘દરેક પ્રવેશની નોંધણી અને દરેક બહાર નીકળનારાઓ પર નિયંત્રણ.’ જોકે વાસ્તવમાં, બરાબર ઊલટું થયું છે.
આપણ વાંચો: પોલીસની સતામણી: પુણેના વિજય સાષ્ટેએ મંત્રાલયની જાળી પરથી માર્યો ભુસકો
અત્યારે વહીવટીતંત્ર પાસેથી મળતા આંકડાઓમાંથી બહાર આવેલી માહિતી સરકારને પરસેવો લાવી શકે છે. હજારોની સંખ્યામાં બનેલા સુરક્ષા કાર્ડ ક્યાં ગયા? તે કેમ પાછા ન કરવામાં આવ્યા? સૌથી મહત્વની બાબત તો એ છે કે, મંત્રાલય જેવી અત્યંત સંવેદનશીલ જગ્યાએ આટલા મોટા પાયે આ કાર્ડ કેવી રીતે ગાયબ થઈ ગયા? આ સવાલો હવે મૂંઝવણ ઊભી કરી શકે છે. એટલું જ નહીં, આ કાર્ડનો દુરુપયોગ થાય તો શું થઈ શકે એવી ચિંતા હવે ઊભી થઈ છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પોતાના જ ગૃહ મંત્રાલય સાથે જોડાયેલી આ ઘટનાના પ્રત્યાઘાત પડવા લાગ્યા છે, અને આ ઘટનાઓનો સીધો સંબંધ સુરક્ષાની દ્રષ્ટિએ કેટલો ખતરનાક બની શકે છે તેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ વિભાગે મુલાકાતીઓ માટે 8,000 જેટલા ડીજી પ્રવેશ (આરએફઆઈડી) એક્સેસ કાર્ડ તૈયાર કર્યા હતા. જોકે, આમાંથી 3,500 જેટલા કાર્ડ કામ પૂર્ણ થયા પછી મુલાકાતીઓ દ્વારા પરત કરવામાં આવ્યા ન હતા. શું મંત્રાલય જેવી ઉચ્ચ સુરક્ષાવાળી ઇમારતમાંથી હજારો કાર્ડ પગ કરી જાય એ માત્ર બેદરકારી છે કે બીજું કશું? એવો સવાલ હવે ઉભો થઈ રહ્યો છે.