ગોરાઇમાં 7 ટુકડા કરાયેલો મૃતદેહ મળતાં ખળભળાટ, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી
મુંબઈ: ગોરાઇ વિસ્તારમાં અજાણ્યા શખસનો સાત ટુકડા કરાયેલો મૃતદેહ ગૂણીમાંથી મળી આવતાં સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો હતો. ગોરાઇના બાબરપાડા ખાતેના શેફાલી ગામમાં રવિવારે રહેવાસીઓની નજર ગૂણી પર પડી હતી, જેમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાથી તેમણે આની જાણ પોલીસને કરી હતી.
ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે ગૂણી ખોલતાં તેમાં ચાર પ્લાસ્ટિકના બોક્સમાંથી માણસના શરીરના કાપેલા ભાગો મળી આવ્યા હતા, જેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઉંમર 25થી 40 વર્ષ વચ્ચેની હતી અને તેના જમણા હાથ પર ‘આરએ’ લખેલું ટેટૂ હતું.
આ પણ વાંચો: વસઈમાં રેલવે બ્રિજ નીચે મિત્રની હત્યા કરી મૃતદેહ સળગાવ્યો: બેની ધરપકડ
દરમિયાન આ પ્રકરણે અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યા અને પુરાવા નષ્ટ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે પણ સમાંતર તપાસ આદરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગુનો છુપાવવા માટે શરીરના ભાગોને જંગલ જેવા વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે આજુબાજુના વિસ્તારોમાં તપાસ આદરી હતી. એ સિવાય મૃતકના વર્ણન સાથે મળતી આવતી કોઇ વ્યક્તિના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવાઇ છે કે કેમ તે જાણવા નજીકના પોલીસ સ્ટેશનોનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો