મનોજ જરાંગેએ બેમુદત ઉપવાસ ફરી શરૂ કર્યા
મુંબઈ: મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગે પાટીલએ શનિવાર 8 જૂનથી ફરી મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામમાં બે મુદત ઉપવાસનો પ્રારંભ કર્યો છે. લોકસભા ચૂંટણી આચારસંહિતાના કારણે ઉપવાસ શરૂ કરવાની તારીખ 4 જૂનથી બદલી 8 જૂન કરવામાં આવી હતી. એ અનુસાર શનિવારથી મનોજ જરાંગેએ બે મુદત ઉપવાસ શરૂ કરી દીધા છે. સાથે રાજ્ય સરકારને સગા વહાલા અંગેના વટહુકમનો અમલ કરવો જોઈએ એવી માગણીનો પુનરુચ્ચાર શ્રી પાટીલે કર્યો છે. સાથે સાથે સરકારને ઈશારો પણ કરી દીધો કે ‘જો અમારી માગણીઓ માન્ય આંહીં કરવામાં આવે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર મહારાષ્ટ્રમાં સર્વ જાતિ અને ધર્મના 288 ઉમેદવાર અમે ઊભા રાખીને જ જંપીશું. વિધાનસભા ચૂંટણી વખતે અમે કોને પછાડવા માગીએ છીએ એના નામ પણ જાહેર કરીશું.’ અંતરવાલી સરાટી ગામમાં વિવિધ માધ્યમો સાથેની વાતચીતમાં શ્રી પાટીલે આ પ્રમાણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : Election Results પછી મનોજ જરાંગેએ ફરી સરકારને આપી આ ચીમકી
ફરી ઉપવાસ પર ઉતરવાનું કારણ પૂછવામાં આવતા મનોજ જરાંગેએ જણાવ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અમારી માંગણીનો તાત્કાલિક અમલ કરે એવો અમારો આગ્રહ છે. એ માગણી માટે જ હું ફરી બે મુદત ઉપવાસ પર ઉતર્યો છું.’