આમચી મુંબઈમહારાષ્ટ્ર

માનખુર્દની યુવતીની હત્યા કરી મૃતદેહ ઉરણમાં ફેંક્યો: પ્રેમીની ધરપકડ

થાણે: લગ્ન માટે દબાણ કરનારી માનખુર્દની યુવતીની હત્યા કરી મૃતદેહ ઉરણમાં ખાડીને કિનારે ફેંકવામાં આવ્યો હતો. ઉરણમાં ચાદરમાં વીંટાળેલો યુવતીનો મૃતદેહ મળી આવ્યા પછી પોલીસે તપાસ હાથ ધરી દક્ષિણ મુંબઈમાં રહેતા પ્રેમીની ધરપકડ કરી હતી.

ઉરણ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સતીશ નિકમે જણાવ્યું હતું કે યુવતીનો મૃતદેહ 25 એપ્રિલની સવારે ઉરણના ચિરનેર-ખારપાડા સ્થિત તેલેખાર પાસે ખાડીકિનારેથી મળી આવ્યો હતો. મૃતદેહ ચાદમાં વીંટાળેલો હતો અને યુવતીના પગ પ્લાસ્ટિકથી બાંધેલા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે 27 વર્ષની યુવતી ગુમ થયાની ફરિયાદ મુંબઈના માનખુર્દ પોલીસ સ્ટેશનમાં 18 એપ્રિલે નોંધાઈ હતી. ઉરણ પોલીસે મિસિંગની ફરિયાદની ચકાસણી કરતાં મૃતદેહ એ જ યુવતીનો હોવાની ખાતરી થઈ હતી.


આ પણ વાંચો:
શોકિંગઃ છત્તીસગઢમાં ચૂંટણી ફરજ પર તહેનાત પોલીસના જવાને કરી આત્મહત્યા

વધુ તપાસમાં યુવતી અને મુંબઈના નાગપાડા વિસ્તારમાં રહેતા 28 વર્ષના ટૅક્સી ડ્રાઈવર વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. યુવતી લગ્ન માટે દબાણ કરતી હતી અને આરોપી ઇનકાર કરતો હોવાથી તેમની વચ્ચે વિવાદ થયો હતો.


18 એપ્રિલની સાંજે વાતોમાં ફોસલાવી આરોપી ટૅક્સીમાં યુવતીને માનખુર્દથી કલ્યાણના ખડવલી ખાતે લઈ ગયો હતો. મધરાતે એક વાગ્યાની આસપાસ ગળું દબાવી હત્યા કર્યા પછી યુવતીના મૃતદેહને ખાડીકિનારે ફેંકી દીધો હતો. શનિવારે ધરપકડ કરાયેલા આરોપીને કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારી હતી.


(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button