પાલિકા પ્રશાસન સફાળું જાગ્યુંઃ માનખુર્દમાં યુવકના મૃત્યુ બાદ ફેરિયાઓ સામે કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માનખુર્દના મહારાષ્ટ્ર નગરમાં સોમવારે રસ્તા પરનું બર્ગર ખાઈને ફૂડ પોઈઝનને કારણે મંગળવારે એક યુવકનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના બાદ પાલિકા પ્રશાસન સફાળું જાગ્યું હતું અને બુધવારે માનખુર્દમાં રસ્તા પર ગેરકાયદે રીતે ખાદ્યપદાર્થના સ્ટોલ લગાવતા ફેરિયાઓ સામે કાર્યવાહી કરી હતી.
સોમવારે માનખુર્દમાં રસ્તા પર ખાદ્ય પદાર્થ વેચનારા ફેરિયા પાસેથી ચિકન શોરમા ખાધા બાદ ૧૦થી ૧૨ લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમાંથી ૧૯ વર્ષના યુવકની તબિયત વધુ લથડતાં તેને કે.ઈ.એમ. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મંગળવારે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પાલિકા પ્રશાસને માનખુર્દના મહારાષ્ટ્રનગરમાં ગેરકાયદે રીતે વ્યવસાય કરનારા ફેરિયાઓ સામે કાર્યવાહી કરી હતી.
પાલિકાના અતિક્રમણ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ‘એમ-પૂર્વ’ વોર્ડમાં ગેરકાયદે ધંધો કરનારા ફેરિયાઓ સામે ઝુંબેશ હાથ ધરીને ૧૫ ફેરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત શાકભાજી, ફેરિયાઓના બાંકડા અને સ્ટેન્ડ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા. તેમ જ સંપૂર્ણ પરિસર ફેરિયામુક્ત કરવામાં આવ્યો હતો.