મુંબઈના મેનહૉલ્સના ઢાંકણાં બનશે વધુ સુરક્ષિત
મેનહૉલ્સ પર બેસાડવામાં આવશે આર્યનની જાળી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ખુલ્લા મેનહૉન્સને ઢાંકવા માટે ત્રણ પ્રકારની જાળીઓ બેસાડવાનો પ્રયોગ કર્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ આખરે હવે આર્યન ડક્ટલાઈનની જાળી બેસાડવાનો નિર્ણય લીધો છે અને હવે પ્રશાસને તમામ વોર્ડને તેમના વિસ્તારમાં આવેલા મેનહૉલ્સને ઢાંકવા માટે ટેન્ડર બહાર પાડવાનો આદેશ આપ્યો છે.
મુંબઈ હાઈ કોર્ટે ઑગસ્ટમાં ખુલ્લા મેનહૉલ માટે પાલિકાને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો હતો. હાઈ કોર્ટના આદેશ બાદ પાલિકાએ યુદ્ધના ધોરણે મેનહોલ્સને ઢાંકવાનું કામ હાથમાં લીધું હતું. જોકે મુંબઈમાં મેનહૉલ્સ પર રહેલા લોખંડના ઢાંકણા વારંવાર ચોરાઈ જતા હોવાથી પાલિકા રસ્તા પરથી અવરજવર કરનારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેનહૉલ્સ પર સુરક્ષારક્ષક જાળી બેસાડવાનો નિર્ણય લીધો હતો. આ જાળી ખાસ કરીને ચોમાસા દરમિયાન નાગરિકો, પ્રાણીઓ અને વાહનોને તેમાં પડવાની દુર્ઘટનાથી બચાવશે.
સપ્ટેમ્બરમાં પ્રાયોગિક ધોરણે ૧૦૦ જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલ, ફાઈબર અને આર્યન ડક્ટાઈલથી બનેલી સુરક્ષારક્ષક જાણી બેસાડી હતી. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ લોખંડની નળીથી બનેલી રક્ષણાત્મક જાળીઓ સ્ટીલ અને ફાઈબરની સરખામણીમાં ઓછી ખર્ચાળ હોય છે. વોર્ડ સ્તરે અધિકારીઓ ટેન્ડરો આમંત્રિત કરવા અને મેનહૉલ્સની નીચે રક્ષણાત્મક જાળી બેસાડવાની સૂચના આપી છે.
કાસ્ટ આર્યનના બનેલા મેનહૉલ્સના ઢાંકણા વારંવાર ચોરાઈ જતા હોય છે અને ચોરો ત્રણથી ચાર હજાર રૂપિયામાં તેને વેચી દેતા હોય છે. પાલિકાના ડેટા મુજબ ૨૦૨૨માં ૮૩૬ મેનહૉલ્સના ઢાંકણા ચોરાયા હતા, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ હતા.
નોંધનીય છે કે પાલિકાએ ઢાંકણાની ચોરી કરનારા સામે આકરા પગલા લેવાની જાહેરાત કરી હતી અને જૂનમાં ચોરો સામે પોલીસમાં ગુનો નોંધવાનું પણ ચાલુ કરવામાં આવ્યું હતું. તેમ જ પાલિકાએ ભંગારના ડીલરોને પણ ચોરાયેલા મેનહૉલ્સના ઢાંકણા ખરીદવા સામે ચેતવણી આપી હતી.