કબૂતરોએ કોઈ નુકસાન પહોંચાડ્યું નથી, ફટાકડા પ્રદૂષણમાં વધુ યોગદાન આપે છે: મેનકા ગાંધી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા મેનકા ગાંધીએ શનિવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે શહેરમાં કબૂતરખાના ફરીથી ખોલવામાં આવશે, તેમણે એવો દાવો કર્યો હતો કે કબૂતરોએ કોઈ નુકસાન પહોંચાડ્યું નથી, જ્યારે ફટાકડા પ્રદૂષણમાં વધુ યોગદાન આપે છે.
એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા ગાંધીએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કબૂતરખાના અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી છે અને રિપોર્ટ અનુકૂળ રહેશે એવી આશા છે.
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે મેનકા ગાંધીએ વ્યક્ત કર્યું આશ્ચર્યઃ ત્રણ લાખ શ્વાન ક્યાં રાખશો?
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ગયા મહિને કબૂતરોને ચણ ખવડાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને શહેરમાં કેટલાક જૂના કબૂતરખાનાઓને બંધ કરી દીધા હતા, કારણ કે તેમને જાહેર આરોગ્ય માટે જોખમી માનવામાં આવ્યા હતા.
‘ભારતનો પાયો કરુણા પર આધારિત છે. તે જીવો અને બીજાને જીવવા દોના સિદ્ધાંત પર કામ કરે છે. કબૂતરોના કારણે ક્યારેય કોઈનું મૃત્યુ થયું હોય તેવું કોઈ ઉદાહરણ નથી. કબૂતરોએ કોઈને નુકસાન પહોંચાડ્યું નથી,’ એમ ગાંધીએ કહ્યું હતું.
તેમણે નોંધ્યું હતું કે મુંબઈમાં 57 (સત્તાવન) કબૂતરખાના છે, જેમાંથી કેટલાક બંધ કરી દેવામાં આવ્યા છે.
‘મુખ્ય પ્રધાને આ અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી છે. તેમાં એક મહિનો લાગશે. રિપોર્ટ આવ્યા પછી, કબૂતરખાનાઓ ફરીથી ખોલવામાં આવશે એની મને ખાતરી છે,’ એમ તેમણે જણાવ્યું હતું.
આપણ વાંચો: આ બેઠક પર ચૂંટણી રદ થશે? મેનકા ગાંધીએ અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી કરી
‘જો કબૂતરોને રોગ ફેલાવવા માટે મારી નાખવામાં આવતા હોય, તો ફટાકડા તેના કરતાં અનેક ગણા પ્રદૂષણનું કારણ બને છે. ભગવાન રામ અને સીતાના સમયમાં ફટાકડા અસ્તિત્વમાં નહોતા. લોકો દીવા પ્રગટાવતા અને મિઠાઈ વહેંચતા હતા. ફટાકડા ફોડવાનો સમય હવે પૂરો થઈ ગયો છે.
લોકો હવે શ્ર્વાસ લઈ શકતા નથી,’ એમ ભાજપના નેતાએ કહ્યું હતું. ગાંધીએ ભારતના પર્યટન પ્રત્યેના અભિગમની ટીકા કરતા કહ્યું કે અનિયંત્રિત વનનાબૂદી અને કુદરતી સંપત્તિની અવગણનાથી તેનું આકર્ષણ ઘટી ગયું છે.
‘ભારતની પર્યટનની ભૂખ ઘણા નાના દેશો કરતા ઓછી છે. તમે જેટલા વધુ વૃક્ષો કાપશો અને જેટલી વધુ સ્થાનિક સંસ્કૃતિ અદૃશ્ય થઈ જશે, તેટલા ઓછા લોકો આવશે. જો આપણે આપણા જંગલો અને પ્રાણીઓનો આદર કરીએ, તો પાંચ વર્ષમાં, આપણે ચમત્કાર કરી શકીએ છીએ,’ એમ તેમણે કહ્યું હતું.
છેલ્લા દાયકામાં લગભગ 21 લાખ હેક્ટર જમીન પરના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો હતો.