બિલ્ડરો માટે ‘મ્હાડા’ને ૨૦ ટકા ઘર સ્વતંત્ર પ્લોટ પર આપવાનું ફરજિયાત
મુંબઈ: સર્વસમાવેશક ગૃહ નિર્માણ યોજનામાં ૨૦ ટકા ઘર રાહતના દરે વેચવાનું ફરજિયાત હોવા છતાં એ જગ્યા ડેવલપરો પચાવી લેતા હોવાનું ધ્યાનમાં આવતા હવે ‘મહારાષ્ટ્ર ગૃહનિર્માણ અને ક્ષેત્રવિકાસ પ્રાધિકરણ’ (મ્હાડા)એ આ ઘર સ્વતંત્ર પ્લોટ પર લેવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયને પગલે ડેવલપરોએ હવે એફએસઆઈનો લાભ લેતી વખતે આ ઘર ‘મ્હાડા’ને સુપરત કરવાના રહેશે. આમ કરવાથી સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા લોકોને પરવડી શકે એવા દરે હજારો ઘર ઉપલબ્ધ થશે. મુંબઈને બાદ કરતા અન્ય ઠેકાણે ૧૦ લાખથી વધુ વસતી હોય એવી મહાપાલિકાની હદમાં ચાર હજાર ચોરસ મીટર કરતા વધુ ક્ષેત્રફળના પ્લોટ વિકસાવી રહેલા ડેવલપર ૨૦ ટકા સર્વસમાવેશક ગૃહ નિર્માણ યોજનાનો લાભ લઈ શકે છે. એકત્રિત વિકાસ નિયંત્રણ નિયમવલીની જોગવાઈ અનુસાર ડેવલપરે પ્લોટની કુલ એફએસઆઈના ૨૦ ટકા જેટલા ૩૦થી ૫૦ ચોરસ મીટર આકારના ઘર અથવા એકંદર પ્લોટના ૨૦ ટકા જેટલા ૩૦થી ૫૦ ચોરસ મીટરના પ્લોટ અનામત રાખવા એવો ઉલ્લેખ છે. આ ઘર કે પ્લોટનું વિતરણ ‘મ્હાડા’ દ્વારા આપવામાં આવેલી સામાન્યજનોની યાદી અનુસાર જ કરવાનું હોય છે. આ ઘર અથવા પ્લોટની કિંમત રેડી રેકનરના ૧૨૫ ટકાના ધોરણે લેવી એવો પણ ઉલ્લેખ છે. એમાંથી એક રકમ ‘મ્હાડા’ને પ્રશાસકીય ખર્ચ પેટે આપવી એવી આ યોજના છે. જોકે, આ યોજનામાં ડેવલપરોએ અનેક ઘર બારોબાર વેચી નાખ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જો આ અટકાવી શકાય તો રાજ્યમાં એક લાખ ઘર લોકોને પરવડી શકે એવા દરથી ઉપલબ્ધ થઈ શકે.ઉ