સોશિયલ મીડિયા પર યુવક સાથે મિત્રતા ભારે પડી: બળાત્કાર ગુજારી યુવતીને આપ્યો ત્રાસ
વાળ-આઇબ્રો કાપ્યા, સિગારેટથી શરીર પર ઠેકઠેકાણે ડામ આપ્યા

થાણે: ઉલ્હાસનગરના યુવક સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરવાનું 27 વર્ષની યુવતીને ભારે પડી ગયું હતું. યુવતીને લોજમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યા બાદ વાંધાજનક વીડિયો ઉતારીને તેને બ્લેકમેઇલ કરવા ઉપરાંત મધ્ય પ્રદેશના એક ઘરમાં ગોંધી રાખીને તેના વાળ-આઇબ્રો કાપી નાખ્યા હતા અને સિગારેટથી તેના શરીર પર ઠેકઠેકાણે ડામ આપ્યા હતા.
યુવતીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે વિઠ્ઠલવાડી પોલીસે 38 વર્ષના યુવક અને તેના પરિવારના પાંચ સભ્ય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ઉલ્હાસનગરમાં રહેતા યુવકે 2021માં પીડિતા સાથે ફેસબૂક પર મિત્રતા કરી હતી. યુવતીને બાદમાં તે લોજમાં લઇ ગયો હતો, જ્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એ સમયે યુવકે તેનો વાંધાજનક વીડિયો ઉતારી લીધો હતો. વીડિયોને આધારે તે પીડિતાને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી તેણે પીડિતા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
દરમિયાન યુવક સાથે લગ્ન કરવા માટે પીડિતા પર દબાણ કરવામાં આવ્યું હતું. યુવક અને તેની માતા પીડિતાને મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં લઇ ગયા હતા, જ્યાં એક ઘરમાં તેને ગોંધી રાખવામાં આવી હતી અને તેના વાળ તથા આઇબ્રો કાપી નાખવામાં આવ્યા હતા. ઉપરાંત યુવકે સિગારેટથી પીડિતાના શરીર પર ઠેકઠેકાણે ડામ આપ્યા હતા, જ્યારે યુવકની માતાએ ગરમ તવાથી પીડિતાને માર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો : ઉલ્હાસનગરમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય પપ્પુ કલાની સામે ગુનો
પીડિતાના આધાર કાર્ડ, પેન કાર્ડ તથા પાસપોર્ટ આંચકી લેવામાં આવ્યા હતા અને તેનો દુરુપયોગ કરીને આરોપીએ લોન લીધી હતી. પીડિતા તેના પિતા પાસેથી પૈસા ન લાવે તો તેનો વાંધાજનક વીડિયો ઓનલાઇન અપલોડ કરવાની ધમકી આરોપીએ આપી હતી.
આરોપીના વારંવારના ત્રાસથી કંટાળીને યુવતીએ રવિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે આરોપી અને તેના પરિવારજનો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)