માણસ જ્યારે માણસાઈ ભૂલે …શેરીમાં બહુ ભસતા શ્વાનને ગોળી મારી દીધીઃ અંધેરીની ઘટના

મુંબઈઃ એક રખડતો શ્વાન બહુ ભસી રહ્યો હોવાથી એક રહેવાસીએ તેને ભગાડવાને બદલે ગોળી મારી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા આ શ્વાનને આ વિસ્તારના સાત યુવકો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં તે મોત સામે ઝઝુમી રહ્યો છે. આ કિસ્સામાં પોલીસ દ્વારા ગોળીબાર કરનાર પિતા-પુત્ર બંનેની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
અંધેરી વેસ્ટમાં શાંતિવન કોમ્પ્લેક્સના પરિસરમાં આ ઘટના બની હતી. અહીંના રખડતા શ્વાન વુલ્ફીના કિસ્સામાં આવું બન્યું છે. રવિવારે લગભગ 2:00 વાગ્યે, વુલ્ફી પર ગોળીબાર થતો સંભળાયો હતો. ગોળીથી ઘાયલ થયેલો વુલ્ફી દર્દના માર્યા ચીસો પાડવા લાગ્યો હતો. તેના અવાજથી સોસાયટીના સાત પ્રાણીપ્રેમી મિત્ર અને રહેવાસીઓ કૈનાથ ગાયકવાડ, સુમિત સિંહ, આદિત્ય સામંત, આયુષ સિંહ, સિદ્ધિ સુર્વે, લોકેશ સાવંત અને શાન સાવંત જાગી ગયા હતા અને તેઓ તુરંત તેને સારવાર માટે લઇ ગયા હતા. એનિમલ ડૉક્ટરે તેની સારવારનો ખર્ચ 20 હજાર રૂપિયા જણાવ્યો હતો હતો.
આ સાત પ્રાણીપ્રેમી મિત્રો, જેઓ વિદ્યાર્થીઓ છે અને હાલમાં કંઇ કમાતા નથી, તેમણે દોડાદોડ અને મહેનત કરીને, આજુબાજુવાળાઓ પાસે માગીને, પોતાના ગાંઠના નાણા કાઢી 15 હજાર રૂપિયા ભેગા કરવામાં સફળ થયા હતા. ત્યારબાદ વુલ્ફીની સારવાર કરવામાં આવી હતી. કાયનાથ ગાયકવાડે કહ્યું હતું કે વુલ્ફીનો ખતરો હજુ સમાપ્ત થયો નથી. હાલમાં શ્વાન પર ગોળીબાર કરનારા પિતા-પુત્રની તપાસ ચાલુ છે. પોલીસ દ્વારા આ કેસમાં તપાસ માટે તેમની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી બે એરગન પણ જપ્ત કરવામાં આવી છે. જોકે, બંનેએ વોલ્ફીને એરગનથી ગોળી મારવાના આરોપને નકારી કાઢ્યો છે. પોલીસ એરગનની તપાસ કરી રહી છે અને તપાસ અધિકારીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો…નવા વર્ષની મુસાફરીના ધસારાને કારણે મુંબઇ-ગોવા હાઇવે જામ
આ મામલે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વુલ્ફી બહુ જ શાંત સ્વભાવનો છે. તે બિલ્ડિંગમાં કોઈની સામે ભસતો નથી. તેનું વર્તન રમતિયાળ છે. તેને ગોળી શા માટે મારવામાં આવી તે સમજાતું નથી.