આમચી મુંબઈ

આડાસંબંધને પગલે ગળું ચીરી શખસની હત્યા:‘આરોપી’ મહિલાનો મૃતદેહ મળતાં રહસ્ય ઘેરાયું…

લાતુર: આડાસંબંધની શંકાને પગલે દાંતરડાથી ગળું ચીરી 40 વર્ષના શખસની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના લાતુરમાં બની હતી. જોકે હત્યાના ગણતરીના કલાકો પછી કથિત આરોપી મહિલાનો મૃતદેહ જંગલ પરિસરમાં ઝાડ સાથે લટકેલી હાલતમાં મળી આવતાં આ મામલો વધુ ગૂંચવાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ લાતુર જિલ્લાના કરકટ્ટા ગામ નજીકના કારખાનામાં સુપરવાઈઝર તરીકે કામ કરતા શરદ ઈંગળે પર રવિવારની રાતે હુમલો થયો હતો. દાંતરડા અને અન્ય તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા પછી તેનું ગળું ચીરવામાં આવ્યું હતું. આ હુમલામાં ઈંગળેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ઈંગળેની પત્નીએ નોંધાવેલી ફરિયાદને આધારે મુરુડ પોલીસે મધરાતે પાંચ જણ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને ઈંગળેના લગ્નબાહ્ય સંબંધોની માહિતી મળી હતી. આડાસંબંધોને પગલે જ તેની હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :ભિવંડીમાં ગોદામમાંથી 23.4 લાખના લેપટોપ ચોરનારા પકડાયા

બીજી તરફ, એફઆઈઆરમાં એક મહિલા સહિત પાંચ જણનાં નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યાં હતાં. પોલીસ આ પાંચેયની ભૂમિકાની તપાસમાં લાગી ત્યારે સોમવારની સવારે આરોપી મહિલાનું શબ જંગલ પરિસરમાં ઝાડ સાથે લટકેલી હાલતમાં મળી આવ્યું હતું. મહિલાનું શબ મળતાં આ પ્રકરણ સંવેદનશીલ બની ગયું હતું. ઈંગળેની હત્યાનો કેસ વધુ ગૂંચવાતાં પોલીસ માટે મુશ્કેલી ઊભી થઈ હોવાનું કહેવાય છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button