જોગેશ્વરીમાં પુનર્વિકાસ પ્રોજેક્ટના વિવાદમાં ભાઈએ કરી ભાઈની હત્યા
મુંબઈ: પુનર્વિકાસ પ્રોજેક્ટ બાબતે મતભેદને પગલે મોટા ભાઈએ નાના ભાઈની કથિત હત્યા કરી હોવાની ઘટના જોગેશ્ર્વરીમાં બની હતી. આ પ્રકરણે મેઘવાડી પોલીસે દારૂ પીવાની વ્યસની એવા આરોપીની ધરપકડ કરી હતી.
મેઘવાડી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ દીપક સાવંત (52) તરીકે થઈ હતી. દીપક વિરુદ્ધ હત્યાના પ્રયાસનો એક ગુનો અને મારામારીના 11 સહિત 16 ગુના નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. દીપક રેકોર્ડ પરનો આરોપી હોવાથી અગાઉ તેને મુંબઈમાંથી તડીપાર પણ કરાયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર દીપકનો ભાઈ સુબોધ રાઘોજી સાવંત (48) જોગેશ્ર્વરી પૂર્વમાં ગાંધીનગર સ્થિત હડકર ચાલમાં રહેતો હતો. આ ઘર સુબોધની માતાના નામ પર છે. બિલ્ડર દ્વારા આ પરિસરના રિડેવલપમેન્ટનું કામ હાથ ધરાવાનું હોવાથી સુબોધને નવો ફ્લૅટ મળવાનો હતો. આ માટે વિકાસકે બધા રહેવાસીઓને મકાન ખાલી કરવાની સૂચના આપી હતી. રહેવાસીઓને અન્યત્ર ભાડેથી રહેવા માટે વિકાસક દ્વારા આર્થિક ભંડોળ પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
અન્યત્ર રહેવા માટેના ભાડાની રકમ રહેવાસીઓના બૅન્ક ખાતાંમાં જમા કરાવવામાં આવી હતી. દીપકને દારૂ પીવાનું વ્યસન હોવાથી તે વારંવાર રૂપિયાની માગણી કરતો હતો. વળી, તે પુનર્વિકાસનો વિરોધ કરતો હતો. આ જ મુદ્દે મંગળવારે બન્ને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. રોષમાં આવી દીપકે ભારે વસ્તુ સુબોધના માથા પર ફટકારી હતી.
બેભાન થઈ જમીન પર ફસડાઈ પડેલા સુબોધને તાત્કાલિક નજીકની ટ્રોમા કૅર સેન્ટર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણે બહેન સુરેખા સાવંતની ફરિયાદને આધારે મેઘવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.