થાણે-ભિવંડી રોડના ભારે ટ્રાફિક જૅમમાં એમ્બ્યુલન્સ ફસાઇ ને યુવકે દમ તોડ્યો…

મોટરસાઇકલને અડફેટમાં લીધા બાદ ટ્રકનું ટાયર યુવક પર ફરી વળ્યું હતું
થાણે: થાણે જિલ્લામાં ટ્રકે મોટરસાઇકલને અડફેટમાં લેતાં ગંભીર રીતે ઘવાયેલા 29 વર્ષના યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જતી એમ્બ્યુલન્સ ભારે ટ્રાફિક જૅમમાં ફસાઇ જવાથી માર્ગમાં અધવચ્ચે તેનું મૃત્યુ થયું હતું. ભિવંડી વિસ્તારમાં નિમ્બાવલી નાકા નજીક સોમવારે સાંજે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ વિનોદ પાટીલ તરીકે થઇ હતી, જે વાશિંદમાં ખાનગી કંપનીમાં કામ કરતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
કાશેળી ગામમાં રહેતો વિનોદ પાટીલ સોમવારે સાંજે મોટરસાઇકલ પર ઘરે આવવા માટે નીકળ્યો હતો ત્યારે પૂરપાટે વેગે આવનારી ટ્રકે મોટરસાઇકલને ટક્કર મારી હતી, જેમાં વિનોદ પાટીલ રસ્તા પર પટકાયો હતો અને ટ્રકનું ટાયર તેના પર ફરી વળ્યું હતું.
ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે વિનોદ પાટીલે હેલ્મેટ પહેર્યું હતું, જે અકસ્માતમાં ટાયર નીચે કચડાયું હતું. દરમિયાન અકસ્માતની જાણ થયા બાદભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘવાયેલા વિનોદ પાટીલને ટ્રક નીચેથી કાઢ્યા બાદ તેને એમ્બ્યુલન્સમાં સારવારાર્થે હોસ્પિટલમાં મોકલ્યો હતો.
જોકે થાણે-ભિવંડી રોડ પર ભારે ટ્રાફિકમાં અધવચ્ચે ફસાઇ ગઇ હતી અને વિનોદનું મૃત્યુ થયું હતું. વિનોદના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયેલા ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમ જ મોટર વેહિકલ એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેની શોધ ચલાવવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)