કૅબિન ક્રૂ સાથે મારપીટ અને વિમાનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરનારા યુવકની ધરપકડ

મુંબઈ: કોઝિકોડથી બહેરિન જઈ રહેલી ઍર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં કૅબિન ક્રૂ સાથે કથિત મારપીટ અને ઍરક્રાફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરવા બદલ મુંબઈ પોલીસે યુવકની ધરપકડ કરી હતી.
સહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ફ્લાઈટનું ઈમર્જન્સી લૅન્ડિંગ કરાવ્યા પછી આરોપી અબ્દુલ મુસાવીર નદુકાન્દીની ધરપકડ કરવામાં આવી હતી.
નદુકાન્દી કેરળનો રહેવાસી છે. વિમાને કોઝિકોડથી ઉડાણ કર્યું ત્યારે એકાએક તે સીટ પરથી ઊભો થઈ ગયો હતો અને વિમાનના પાછળના ભાગમાં ગયો હતો. તેને રોકવાનો પ્રયાસ કરનારા કૅબિન ક્રૂ સાથે તેણે કથિત મારપીટ કરી હતી અને પછી વિમાનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
ક્રૂ સભ્યો આરોપીને તેની સીટ પર બેસાડવા લઈ ગયા ત્યારે તેણે ગાળાગાળી કરી અન્ય પ્રવાસીઓ સાથે મારપીટ કરી હતી. ધમકીભરી ભાષાનો ઉપયોગ કરી ઈમર્જન્સી દરવાજો ખોલવાનો પણ પ્રયત્ન તેણે કર્યો હતો, એમ ફરિયાદમાં જણાવાયું હતું.
સુરક્ષા સામે જોખમ જણાતાં પાઈલટે વિમાનનું મુંબઈના ઍરપોર્ટ પર ઈમર્જન્સી લૅન્ડિંગ કરાવ્યું હતું. આ પ્રકરણે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 336, 504, 506 અને 323 તેમ જ ઍરક્રાફ્ટ ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)