મમતા બેનર્જી એક સક્ષમ નેતા: શરદ પવાર…

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ઈન્ડી ગઠબંધનનો હવાલો પોતાના હાથમાં લેવાની ઈચ્છા દર્શાવતા નિવેદનને સમર્થન આપ્યું છે. શનિવારે કોલ્હાપુરમાં પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના વડા એક સક્ષમ નેતા છે અને તેમને વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કરવાનો તેમનો ઇરાદો વ્યક્ત કરવાનો અધિકાર છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં, બેનર્જીએ કહ્યું હતું કે તેઓ પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન તરીકેની ભૂમિકા ચાલુ રાખીને વિપક્ષી મોરચો ચલાવવાની બેવડી જવાબદારીનું સંચાલન કરી શકે છે.
આ પણ વાંચો : સપાએ એમવીએ સાથે છેડો ફાડ્યો; તો આદિત્ય ઠાકરેએ કહ્યું સપા તો ભાજપની બી ટીમ છે…
તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિવિધ પ્રાદેશિક પક્ષોમાંથી અસંતોષ અને હરિયાણા, જમ્મુ અને કાશ્મીર અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસને માટે તાજેતરના ચૂંટણી આંચકાજનક પરિણામો જોવા મળ્યા હોવાથી ઈન્ડી ગઠબંધનમાં વ્યાપક સ્તરે તણાવ ઉભો થયો છે.
બેનર્જીની ટિપ્પણી વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્ર્નનો જવાબ આપતાં શરદ પવારે કહ્યું હતું કે, ‘તેઓ દેશમાં એક સક્ષમ નેતા છે અને તેમને આવું કહેવાનો અધિકાર છે. તેમણે સંસદમાં જે સાંસદો મોકલ્યા છે તે મહેનતુ અને જાગૃત છે.’