મુલુંડ-દહિસર કોવિડ સેન્ટરમાં ગેરરીતિ: છેતરપિંડીનો ગુનો દાખલ
મુંબઈ: કોરોનાકાળ દરમિયાન મુંબઈના મુલુંડ અને દહિસરમાં તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરમાં કથિત રીતે થયેલા ગેરરીતિ મામલે તાડદેવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં બનાવટી દસ્તાવેજો અને ખોટી માહિતીના આધારે 39 કરોડ રૂપિયાનો ગેરરીતિ થઈ હોવાના આરોપને આધારે કોન્ટ્રાક્ટર અને મહાનગરપાલિકાના અધિકારીઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
કોરોના સેન્ટરમાં ગેરરીતિ મામલે તપાસ કરતા કોરોના સેન્ટરના કોન્ટ્રેક્ટર રાહુલ ગોમ્સ આ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના આદિત્ય ઠાકરેના સંબંધી હોવાનો આરોપ ભાજપે કર્યો છે. તાડદેવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા ગુનામાં આ કેસના આરોપીઓએ પહેલી ઓક્ટોબર 2020થી પહેલી ઓગસ્ટ 2022ના સમયગાળા દરમિયાન ગેરરીતિ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પોલીસના આર્થિક ગુના વિભાગના એક અધિકારીએ આ ફરિયાદ નોંધાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ફરિયાદ મુજબ આ કોન્ટ્રેક્ટર મેસર્સ ઓકસી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર રાહુલ ગોમ્સ દ્વારા મુલુંડ અને દહિસર ખાતે જમ્બો કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. આ સેન્ટર બનાવ્યા બાદ તેને મુંબઈ મહાનગરપાલિકા હેઠળ સામેલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સેન્ટર માટે ભાડાંની માગણી માટે ખોટી માહિતી અને ખોટી ચુકવણીના દસ્તાવેજ મહાપાલિકા સમક્ષ રજૂ કર્યા હતા.
આ દસ્તાવેજો આપ્યા બાદ મહાપાલિકાના કર્મચારીઓએ કોન્ટ્રાક્ટરે કરેલી માગણીની રકમ ચૂકવી હતી, જેથી કોન્ટ્રેક્ટરે 37 કરોડ રૂપિયાનો નફો મળ્યો હતો. આ ખોટી અરજીને આધારે રકમ ચૂકવતા સરકારને નુકસાન થયું છે અને આ મામલે કાવતરું રચવું, ખોટા દસ્તાવેજો બનાવી તેને રજૂ કરવા અને તેને મહાપાલિકા પાસે જમા કરવી રકમ વસૂલવી આ મામલે ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
રાહુલ ગોમ્સને મળેલા કોન્ટ્રેક્ટ મામલે પણ ઇડી દ્વારા તપાસ કરવામાં આવી હતી. રાહુલ ગોમ્સની કંપની દ્વારા કોવિડ ફિલ્ડ હોસ્પિટલમાં બેડ્સ, પંખા, ટેન્ટ અને બીજી સુવિધાનો પુરવઠો કર્યો હતો. આ પ્રકરણમાં ગેરરીતિ થઈ હોવાની માહિતી મળતા આ મામલે ઇડી દ્વારા મુંબઈ પોલીસને પુરાવા સોંપવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસ પાસે આ પુરાવા આવતા બુધવારે રાતે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો.