મલાડમાં કોલ સેન્ટરમાં ભીષણ આગ: કાચને કારણે ધુમાડો ફેલાઈ જતા આગ બુઝાવવામાં અડચણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડ (પશ્ચિમ)માં માઈન્ટ સ્પેસ નજીક આવેલી ફોર ડાયમેન્શન બિલ્ડિંગમા પાંચમા માળા પર આવેલા કોલ સેન્ટરમાં ગુરુવારેે મોડી રાત બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના પર છેક સવારના નવ વાગ્યાની આસપાસ નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન સુધી મોડે સુધી ચાલ્યું હતું. કાચની બિલ્ડિંગ હોવાથી ધુમાડો બહાર નીકળી નહીં શકતા ફાયરબ્રિગેડે તેને તોડી પાડીને વેન્ટિલેશનની સગવડ ઊભી કરી હતી. સદ્નસીબે આગની દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ મલાડમાં માઈન્ડસ્પેસ, લિંક રોડ પર બેઝમેન્ટ પ્લસ ગ્રાઉન્ડ પ્લસ છ માળની ફોર ડાઈમેન્શન નામની બિલ્ડિંગ આવેલી છે. ગુરુવારે મોડી રાતના ૧૨.૪૭ પાંચમા માળા પર ૧૫,૦૦૦ સ્કવેર ફૂટના વિસ્તારમાં આવેલા કોલ સેન્ટરમાં આગ લાગી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના સાત ફાયર એન્જિન, ચાર જમ્બો વોટર ટેન્કર, બે ટેબલ ટર્ન લેડર, એક ડિવિઝનલ ફાયર ઓફિસર, બે એડિશનલ ડિવિઝનલ ફાયર ઓફિસર અને ચાર સિનિયર સ્ટેશન ઓફિસર પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ ૧૫,૦૦૦ સ્કવેર ફૂટના વિસ્તારમાં ઓલા કોલ સેન્ટરમાં ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, લાકડાનું ફર્નિચર, લાકડાનું પાર્ટિશનસ ફોલ્સ સિલિંગ, કમ્પ્યુટર સહિત સર્વર રૂમ વગેરે આગને કારણે બળીને ખાખ થઈ ગયું હતું. આગને કારણે આખા પાંચમા માળા પર ધુમાડો ફેલાઈ ગયો હતો. તેમાં પાછું બિલ્ડિંગનો આગળનો ભાગ કાચનો હોવાથી આગ બુઝાવવામાં અવરોધનો સામનો કરવો પડયો હતો અને કાચને કારણે અંદર ભયંકર ગરમી પણ વર્તાઈ રહી હતી. તેથી પાંચમા માળા પરનો ધુમાડો બહાર નીકળે તે માટે બિલ્ડિંગના બહારના કાચને તોડીને વેન્ટિલેશન બનાવવામાં આવ્યું હતું.
સવારના લગભગ નવ વાગે આગ બુઝાવવામાં સફ્ળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. સદ્નસીબે રાતના આગ લાગી હોવાથી એ સમયે ઓફિસમાં કોઈ ન હોવાથી કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.



