આર્મીના કર્નલના ઘરમાંથી રિવોલ્વર,કારતૂસો અને ચાંદીના દાગીના ચોર્યાં…

દાગીના વેચી આરોપીઓ પાર્ટી કરવા ગોવામાં ગયા, પાછા ફરતાં પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડમાં આર્મી સેન્ટ્રલ ઓર્ડનન્સ ડેપો (સીઓડી) ખાતે કર્નલના બંધ ફ્લેટમાં ઘૂસેલા ત્રણ ચોરે રિવોલ્વર, કારતૂસો તેમ જ ચાંદીના દાગીના ચોર્યાં હતાં. શસ્ત્રો તેમણે ખાડી નજીક છુપાવ્યાં હતાં, જ્યારે દાગીના વેચીને તેઓ પાર્ટી કરવા માટે ગોવા ગયા હતા. જોકે પાછા ફર્યા બાદ તેઓ પોલીસના સકંજામાં સપડાઇ ગયા હતા. આરોપીઓમાં સગીરનો સમાવેશ હોઇ તેમણે છુપાવેલાં શસ્ત્રો પોલીસે હસ્તગત કર્યાં હતાં.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-12ના અધિકારીઓએ ઝડપી પાડેલા બે આરોપીની ઓળખ દીપક કૃષ્ણા ધનવે (21) અને વિનાયક ગોપીચંદ બાવિસ્કર તરીકે થઇ હતી. બંનેને વધુ તપાસ માટે દિંડોશી પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા, જ્યારે સગીરને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મલાડ પૂર્વમાં આર્મી સેન્ટ્રલ ઓર્ડનન્સ ડેપો ખાતે 1 નવેમ્બરે ચોરીની આ ઘટના બની હતી, જ્યાં નિવાસી ક્વાર્ટર્સ પણ છે. મુખ્ય પ્રવેશદ્વાર બંધ હોવાથી આરોપીઓ મધરાતે નાના ગેટ પર ચઢીને અંદર ઘૂસ્યા હતા. તેમણે ત્યાંના બંધ ફ્લેટનાં તાળાં દોડીને ઘૂસ્યા હતા, જ્યાંથી તેઓ રિવોલ્વર, નવ કારતૂસ અને 480 ગ્રામ ચાંદીના દાગીના ચોરી પલાયન થયા હતા.
દરમિયાન કર્નલનો પરિવાર ઘરે પાછો ફર્યો ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી, જેને પગલે તેમણે દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કર્નલ નોર્થમાં ફરજ બજાવે છે, જ્યારે તેમની પત્ની અભિનેત્રી છે અને એક પુત્ર છે.
આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે દિંડોશી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ આ કેસની સમાંતર તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ નેટવર્કને આધારે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા અને શનિવારે મલાડથી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પૂછપરછમાં તેમણે કબૂલ કર્યું હતું કે ગુનો આચર્યા બાદ તેઓ ખાડી નજીક ગયા હતા, જ્યાં તેમણે શસ્ત્રો છુપાવી દીધા હતા, જ્યારે દાગીના વેચીને તેઓ પાર્ટી કરવા ગોવા ગયા હતા. તેઓ પોલીસને ખાડી નજીક લઇ ગયા હતા, જ્યાંથી શસ્ત્રો જપ્ત કરાયા હતા.



