આમચી મુંબઈમહારાષ્ટ્ર

મલબાર હિલ જળાશયના પુન:નિર્માણની યોજનાની સમીક્ષા કરવા બનેલી સમિતિનો અહેવાલ વિલંબમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં આવેલા સદી જૂના મલબાર હિલ રિઝર્વિયરના પુર્ન બાંધકામની યોજનાની સમીક્ષા કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ બનાવેલી પેનલને ત્રણ મહિનાનો સમય થઈ ગયો છે, છતાં હજી સુધી તેનો અંતિમ અહેવાલ આવ્યો નથી. આ પેનલની રચના ત્રણ નવેમ્બર, ૨૦૨૩ના કરવામાં આવી હતી.

ગયા મહિનાની આઠ તારીખે વચગાળાનો અહેવાલ સબમીટ કરવામાં આવ્યો હતો, જેમાં કમિટીના આઠ સભ્યમાંથી ચાર સભ્યોએ જ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. તો પાલિકા અંતિમ રિપોર્ટ આઈઆઈટી પ્રોફેસર દ્વારા સબમીટ કરવામાં આવશે અને તેને જ આઈઆઈટી બોમ્બેની ભલામણ તરીકે ગણવામાં આવશે એવું કહી ચૂકી છે.

રિપોર્ટ આવવામાં થઈ રહેલા વિલંબ સામે સ્થાનિક નાગરિકો અનેક વખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમના કહેવા મુજબ કમિટીના સભ્યોએ સાઈટની મુલાકાત લીધી છે અને અનેક વખત મીટિંગ પણ કરી છે, છતાં રિપોર્ટ આવવામાં કેમ વિલંબ કરવામાં આવી રહ્યો છે? એક વખત જો લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ તો આચારસંહિતા લાગુ થઈ જશે અને તેને કારણે અધિકારીઓ આ સમય દરમિયાન રિપોર્ટ સબમીટ નહીં કરી શકે એવો ડર પણ સ્થાનિકો રહેવાસીઓને સતાવી રહ્યો છે.

થોડા સમય પહેલા જાહેર કરવામાં આવેલા વચગાળાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મલબાર હિલ રિઝર્વિયર એક હેરિટેજ મિલકત હોઈ હાલની જળાશયની સ્થિતિ સલામત છે અને નાના સમારકામની વિગતવાર યોજના બનાવી અને તેને કાળજીપૂર્વક અમલમાં મૂકવામાં આવે તો વર્ષો સુધી વાંધો નહીં આવે.

સમિતિના આઠ સભ્યોમાં ડેપ્યુટી કમિશનર સી.કે. કાંડલકર, આઈઆઈટી પ્રોફેસર વી.જોથીપ્રકિરાશ અને પ્રોફેસર ડી. મૂર્તિનો સમાવેશ થાય છે, જેમણે વચગાળાના અહેવાલના તારણ સાથે સંમત્તિ દર્શાવી હતી. પરંતુ તેઓ હાઈડ્રોલિક્સ મુદ્દાઓને સમાવીને અંતિમ અહેવાલ આપવા ઈચ્છે છે. આઈઆઈટી પ્રોફેસ્ર આર.એસ જાંગિડ પણ પેનલના એક સભ્યોમાંના એક છે, જેમણે સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું પરંતુ પાલિકાએ તેનો સ્વીકાર કર્યો નહોતો.

રિપોર્ટમાં થઈ રહેલા વિલંબ બાબતે પાલિકાના સંબંધિત અધિકારીઓ મગનું મરી કરવા તૈયાર નથી. કોઈ અધિકારી આ વિશે બોલવા માગતો ન હોવાનું કહેવાય છે.

નોંધનીય છે કે મલબાર હિલ રિઝર્વિયરના પુર્ન બાંધકામને કારણે ૩૮૯ વૃક્ષોને અસર થવાની છે, તેની સામે સ્થાનિક નાગરિકોથી લઈને બિનસરકારી સંસ્થાઓએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ વૃક્ષોને બચાવવા માટે વૈકલ્પિક ઉકેલ શોધવાની માગણી કરી હતી, તેથી પાલિકાએ આઈઆઈટી બોમ્બેના પ્રોફેસર, પાલિકાના અધિકારી અને સ્થાનિક નિષ્ણાતોની બનેલી એક નિષ્ણાત સમિતિની રચના કરી છે.

મલબાર હિલ રિઝર્વિયરના સ્ટ્રક્ચર ઓડિટમાં અમુક નબળાઈઓ સામે આવ્યા બાદ પાલિકાએ ૬૯૮ કરોડ રૂપિયાના ખર્ચે તેના પુન: નિર્માણની યોજના હાથ ધરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button