મલબાર હિલમાં બેસ્ટની ઇલેક્ટ્રિક બસે અડફેટમાં લેતાં ગુજરાતી વૃદ્ધાનું મૃત્યુ…
યોગા ક્લાસથી પાછા ફરતી વખતે નીતા શાહને નડ્યો અકસ્માત: ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના પૉશ વિસ્તાર મલબાર હિલમાં બેસ્ટની ઇલેક્ટ્રિક બસે અડફેટમાં લેતાં 75 વર્ષનાં ગુજરાતી વૃદ્ધા નીતા નીતિન શાહનું ગંભીર ઇજાને કારણે મોત થયું હતું. નીતા શાહ સવારના યોગા ક્લાસથી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.
મલબાર હિલ પોલીસે આ પ્રકરણે બસ ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તેને નોટિસ ફટકારવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મલબાર હિલ વિસ્તારમાં સહ્યાદ્રી સ્ટેટ ગેસ્ટ હાઉસ નજીક મંગળવારે સવારે 8.45થી 9.00 વાગ્યા વચ્ચે આ અકસ્માત થય હતો. મલબાર હિલ સ્થિત રિજ રોડ પર પ્રકાશ બિલ્ડિંગમાં રહેનારાં નીતા શાહ રોજ મુજબ મંગળવારે સવારના ત્યાંની ક્લબમાં યોગા ક્લાસમાં ગયા હતા.
યોગ્ય ક્લાસમાંથી તેઓ પાછા ઘરે આવવા માટે નીકળ્યાં હતાં. તેઓ તીન બત્તી તરફ જઇ રહ્યાં હતાં ત્યારે રિજ રોડ પર બિલ્ડિંગના ગેટ નજીક નો-પાર્કિંગમાં સ્કોડા કાર પાર્ક કરાયેલી હતી. કાર સામે હોવાથી નીતા શાહ રસ્તાની અંદરની બાજુ જતા હતાં.
એ સમયે વિજય વલ્લભ ચોકથી કમલા નેહરુ પાર્ક તરફ જઇ રહેલી બેસ્ટની 105 નંબરની ઇલેક્ટ્રિક બસે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસની નજીક નીતા શાહને અડફેટમાં લીધાં હતાં, જેમાં તેઓ બસની ડાબી બાજુના પાછળના ટાયર નીચે આવી જતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં કારને પણ નુકસાન પહોંચ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બસે અડફેટમાં લીધા બાદ નીતા શાહ બસ અને કાર વચ્ચે ફસાઇ ગયાં હતાં.
દરમિયાન અવાજ સાંભળીને બસ ડ્રાઇવર અક્ષય અવિનાશ સુર્વે (46) બસ રોકીને નીચે ઊતર્યો ત્યારે નીતા શાહ ઘાયલ અવસ્થામાં મળી આવ્યાં હતાં. નીતા શાહને તાત્કાલિક સારવાર માટે જે.જે. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યાં હતાં, એમ પોલીસે જણાવ્યું હતું.
આ અકસ્માત બાદ પોલીસે બસ ડ્રાઇવર અને સ્કોડા કાર જેણે નો-પાર્કિંગમાં પાર્ક કરી હતી તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નીતા શાહનો પુત્ર યુએસમાં છે અને તેમની પુત્રીનાં લગ્ન થઇ ચૂક્યાં છે, જે પતિ સાથે નજીકમાં જ રહે છે. નીતા શાહ અહીં એકલાં રહેતાં હતાં અને તેમની માટે કેરટેકર રાખવામાં આવી હતી.