એસઆરએ યોજનાની બિલ્ડિંગોની સારસંભાળ-સમારકામની જવાબદારી ડેવલપરની રહેશે
મુંબઈ: સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) યોજનાની બિલ્ડિંગનો તાબો આપ્યા બાદનાં 10 વર્ષ માટે બિલ્ડિંગની દેખભાળ-સમારકામની જવાબદારી હવે ડેવલપરની રહેશે. અત્યાર સુધી બિલ્ડિંગનો તાબો આપ્યા બાદ માત્ર ત્રણ વર્ષ સુધી બિલ્ડિંગની દેખભાળ-સમારકામની જવાબદારી ડેવલપરની હતી. જોકે હવે તેનો સમય વધારી દેવામાં આવ્યો છે.
ગયા વર્ષે ગોરેગાંવમાં ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાની બિલ્ડિંગને લાગેલી ભીષણ આગની પાર્શ્વભૂમિ પર એસઆરએએ આ નિર્ણય લીધો છે. ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાની બિલ્ડિંગનો તાબો આપ્યા બાદ બિલ્ડિંગનું સ્થળાંતર બંધ પડવું, દીવાલમાં તિરાડ પડવી, ટેનામેન્ટ કે ઘરમાં લિકેજ થવું કે પછી બિલ્ડિંગમાં કોઇ પણ પ્રકારના બાંધકામ સંબંધે કોઇ ખામી રહી ગઇ હોય તો તેની જવાબદારી ત્રણ વર્ષ માટે ડેવલપરની રહેતી હતી અને ત્યાર પછી તેની જવાબદારી સોસાયટીની રહેતી હોય છે.
જોકે અનેક વાર બાંધકામમાં થતી ભૂલને કારણે, માળખાકીય ભૂલોને કારણે, ડેવલપરની ભૂલોને કારણે અમુક અકસ્માત સર્જાય કે પછી કોઇ આપત્તિ આવે તો જાન અને માલની હાનિ થતી હોય છે. આવું જ કંઇક ગોરેગાંવમાં જય ભવાની બિલ્ડિંગમાં લાગેલી આગની દુર્ઘટનામાં જોવા મળ્યું હતું. આ દુર્ઘટના બાદ એક સમિતિ નીમવામાં આવી હતી. આ સમિતિએ આવો અકસ્માત ફરી વાર ન થાય એ માટે અને ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાની બિલ્ડિંગની અને રહેવાસીઓની સુરક્ષિતતા માટે અનેક ભલામણ કરી છે.