આમચી મુંબઈ

માહિમમાં પાણીની પાઈપલાઈનમાં ગળતર: લાખો લિટર પાણી વેડફાયું…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પાલી હિલ જળાશયની ૯૦૦ મિલીમીટર ઈનલેટની પાણીની પાઈપલાઈનમાં ગળતર સુધારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે સમારકામનું આયોજન કર્યું હતું. જોકે કામ શરૂ થાય તે પહેલા જ સોમવારે પાઈપલાઈન પરનો કામચલાઉ સ્ટેનલેસ ક્લેમ્પ કૉલર આગળ ખસી ગયો હતો, તેને કારણે પાઈપલાઈનમાં ભારે ગળતર થયું હતું. રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા અને માહિમ કોઝવે પર ઉત્તર તરફ જતા ટ્રાફિકને અસર થઈ હતી.

પાલિકા પ્રશાસને જણાવ્યું હતું કે ક્લેમ્પ કૉલરને યુદ્ધના ધોરણે ફિક્સ કરવામાં આવી રહ્યું છે અને બહુ જલદી પાણીપુરવઠો પૂર્વવત્ થશે. એ બાદ ૧૦ ફેબ્રુઆરીના અગાઉની યોજના મુજબનું કાયમી સમારકામ હાથ ધરવામાં આવશે.પાલી હિલ જળાશયની ૯૦૦ મિલીમીટર ઈનલેટ પાણીની પાઈપલાઈનમાં ગળતર સુધારવા માટે પાલિકાએ તાત્કાલિક ધોરણે સમારકામ કરશે. આ કામ બાન્દ્રા પશ્ર્ચિમમાં કુરેશી નગર ઝૂંપડપટ્ટી નજીક મ્હાડા પ્લોટમાંથી પસાર થતી પાઈપલાઈન સાથે તેમ જ વેર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પરના ભાગમાં કામ કરવામાં આવશે.

મંગળવારે સવારના ૧૦ વાગ્યાથી મધરાત સુધી આ સમારકામનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પરિણામે ખાર અને બાન્દ્રાના અમુક વિસ્તારોમાં ૧૪ કલાક પાણી બંધ રહેશે. જ્યારે ૧૦ ફેબ્રુઆરીએ ઓછા દબાણ સાથે પાણી રહશે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ૨૯ જાન્યુઆરીએ આ પાઈપલાઈનમાં લગાવવામાં આવેલા કલેમ્પ કૉલર સોમવારે બપોરના ૧.૩૦ વાગ્યાની આસપાસ ફાટી ગયો હતો. આ ભંગાણને કારણે મોટા પ્રમાણમાં પાણીનું ગળતર થયું હતું.

લાખો લિટર પાણી રસ્તા પર વેડફાઈ ગયું હતું અને રસ્તા પર ભરાયેલા પાણીને કારણે ટ્રાફિક જૅમ થયો હતો. પાલિકાના એન્જિનિયરોએ તાત્કાલિક ધોરણે ગળતરને નિયંત્રણમાં લાવવા માટે તાત્કાલિક સમારકામ હાથ ધયું હતુંં.
એચ-પશ્ર્ચિમ વોર્ડના અધિકારીના જણાવ્યા મુજબ ખાર-બાન્દ્રા પશ્ર્ચિમમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ક્લેમ્પ કૉલર ફરી બેસાડવામાં આવ્યો હતો અને બાદમાં એ વિસ્તારોમાં પાણી પુરવઠો કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ જોકે મંગળવારે અગાઉની યોજના મુજબ સમારકામ હાથ ધરાશે. મંગળવારના સવારના ૧૦ થી રાતના ૧૦ વાગ્યા સુધી સમારકામ હાથ ધરાશે. એ દરમ્યાન પાણીને સંભાળીને વાપરવાનું રહેશે અને ત્યારબાદ થોડા દિવસ પાણી ઉકાળીને પીવાનું રહેશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button