પોલીસ સ્ટેશનમાં શિવસેનાના નેતા પર ગોળીબાર:હાઇ કોર્ટે ભૂતપૂર્વ વિધાનસભ્ય ગણપત ગાયકવાડના જામીન નકાર્યા…

મુંબઈ: ગયા વર્ષે પોલીસ સ્ટેશનમાં શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કરવાના કેસમાં ધરપકડ કરાયેલા ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય ગણપત ગાયકવાડને જામીન આપવાનો હાઇ કોર્ટે મંગળવારે ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ ઘટના સભ્ય સમાજમાં આઘાતજનક અને અસ્વીકાર્ય છે.
જસ્ટિસ અમિત બોરકરની ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે મામલો ગોળીબાર કરવા સુધી અટક્યો નહોતો, પરંતુ પીડિત જીવિત હોવાનું જોયા બાદ ગણપત ગાયકવાડે તેની છાતી પર બેસીને રિવોલ્વરના બટ્ટાથી તેના પર હુમલો કર્યો હતો, એવો આક્ષેપ તપાસકર્તા પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.
જો આવા કૃત્યને સાચું માનવામાં આવે તો તે અરજદાર (ગણપત ગાયકવાડ)ના હત્યાના ઇરાદાને છતું નથી કરતો, પરંતુ પોલીસ અધિકારીઓની હાજરી તેમ જ સ્થળની ચિંતા કર્યા વિના ઘાતક પરિણામો નિશ્ચિત કરવાનો તેનો ઉદ્દેશ પણ સ્પષ્ટ કરે છે.
પોલીસ સ્ટેશનની ચાર દીવાલની અંદર કરવામાં આવતી કોઇ પણ હિંસાને હળવાશથી લઇ શકાય નહીં, કારણ કે તે કાયદો અને વ્યવસ્થાના મૂળ પર પ્રહાર કરે છે, એમ કોર્ટે જણાવ્યું હતું. આરોપી સામેનો ગુનો ઘૃણાસ્પદ છે. આ એક ‘આઘાતજનક ઘટના’ હતી, જેમાં પોલીસ સ્ટેશનના પરિસરમાં હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસ સ્ટેશન કોઇ યુદ્ધનું મેદાન નથી અને એક સામાન્ય નાગરિક, ખાસ કરીને ભૂતપૂર્વ વિધાનસભ્ય, હથિયાર લઇને પોલીસ સ્ટેશનની મુલાકાત લે તેવી અપેક્ષા રાખવામાં આવતી નથી. સિવાય કે તેનો ઉપયોગ કરવાનો ઇરાદો ધરાવતો હોય એમ પણ હાઇ કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઇ)