હરિયાણા ચૂંટણીના પરિણામોથી મહાયુતિના સહયોગીઓ ઉત્સાહિત, અજિત પવાર બારામતીથી જ લડશે: પ્રફુલ્લ પટેલ
મુંબઈ: અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીએ મંગળવારે જણાવ્યું હતું કે હરિયાણામાં ભાજપની જીત અને જમ્મુ અને કાશ્મીરમાં સારું પ્રદર્શન નરેન્દ્ર મોદી સરકારના શાનદાર પ્રદર્શનને દર્શાવે છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ગઢ બારામતીમાંથી ઔપચારિક રીતે ઉમેદવારીની જાહેરાત કરી હતી અને આની સાથે જ અજિત પવાર અન્ય મતવિસ્તારમાં શિફ્ટ થશે તેવી અટકળોનો અંત આવ્યો હતો.
આગામી ચૂંટણી માટે મહાયુતિની બેઠક વહેંચણીની વાટાઘાટો પર બોલતા, પટેલે કહ્યું કે એનસીપીને લડવા માટે સન્માનજનક 60 બેઠકો મળશે.
મહાયુતિના સાથી પક્ષો-એનસીપી, શિવસેના અને ભાજપમાં 230 બેઠકો પર સર્વસંમતિ સધાઈ છે અને બાકીની બેઠકો પરના મતભેદોને ઉકેલવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
હરિયાણાની ચૂંટણીનો ચુકાદો મહારાષ્ટ્રમાં આઉટ-ગોઇંગ અને ઇન-કમિંગ રાજકીય નેતાઓને તેમની રાજકીય ચાલ પર ફરીથી વિચાર કરવા દબાણ લાવશે. હરિયાણામાં ભાજપની હેટ્રિક અને જમ્મુ અને કાશ્મીરમાં સારું પ્રદર્શન છેલ્લા દસ વર્ષમાં મોદી સરકારની કામગીરી પર લોકોનો વિશ્ર્વાસ દર્શાવે છે, એમ પટેલે કહ્યું હતું.
તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષી પાર્ટીઓએ મીડિયા દ્વારા ખોટા નેરેટિવ ચલાવ્યા હતા કે ભાજપ ખેડૂતોના વિરોધ, ખાસ જાતિઓ અને રમતવીરોેમાં અશાંતિ સહિતના ઘણા મુદ્દાઓ પર હરિયાણાની ચૂંટણી હારી જશે.
હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરના પરિણામોથી મહાયુતિ ઉત્સાહિત છે. લોકસભાની ચૂંટણીમાં ખોટા નેરેટિવ ચલાવવામાં આવ્યા હતા, પરંતુ આજના પરિણામો બતાવે છે કે કોને જલેબી મળશે, એમ પટેલે રાહુલ ગાંધી પર સ્પષ્ટ કટાક્ષ કરતા કહ્યું.
તેમણે દાવો કર્યો હતો કે રાજ્ય સરકારની નીતિઓથી ડુંગળી અને કપાસના ઉત્પાદકો અને દૂધ ઉત્પાદકોને ફાયદો થયો છે. ગઈ ચૂંટણીઓથી ભાજપનો વોટ શેર અને બેઠકોની સંખ્યામાં વધારો થયો છે, એમ તેમણે ઉમેર્યું હતું.