Seat Sharing મુદ્દે પાંચેક દિવસમાં Mahayuti આખરી નિર્ણય લેશેઃ આ નેતાએ કર્યો દાવો

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી વિશે મહાયુતિના ત્રણેય મુખ્ય પક્ષો ટૂંક સમયમાં નિર્ણય લેશે, તેમ Ajit Pawar જૂથની NCP(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ સુનિલ તટકરેએ આજે જણાવ્યું હતું.
નાંદેડમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે આગામી ચારથી પાંચ દિવસમાં મહાયુતિના સાથી પક્ષો એકસાથે બેસીને બેઠકોની વહેંચણી વિશે ચર્ચા કરશે. જોકે, એ દરમિયાન પહેલાથી જ જે બેઠકો જે તે પક્ષો પાસે છે એ બેઠકો વિશે કોઇ ચર્ચા નહીં કરવામાં આવે.
આ પણ વાંચો: સિંધુદુર્ગમાં પ્રતિમા તૂટવા મુદ્દે રાજકારણ ગરમાયુંઃ નવી પ્રતિમા બનાવવાની તૈયારી વચ્ચે રાજકીય વિરોધ વકર્યો…
લાડકી બહેન યોજના માટે અન્ય યોજનાઓના ભંડોળનો ઉપયોગ કરવામાં આવતો હોવાના વંચિત બહુજન આઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર દ્વારા મૂકાયેલા આરોપો ફગાવતા તટકરેએ જણાવ્યું હતું કે હું ભૂતકાળમાં રાજ્યનો નાણાં પ્રધાન રહી ચૂક્યો છું અને રાજ્યના આદિવાસી વિકાસ ખાતા અને સામાજિક ન્યાય ખાતાને ફાળવવામાં આવેલું ભંડોળ અન્ય ક્યાંય ઉપયોગમાં ન લઇ શકાય એ વાત હું તમને સ્પષ્ટ કહી શકું છું.
આ પણ વાંચો: ઝૂંપડાવાસીઓનો પાણીનો વેરો વધારો છો તો મેચના આયોજકોને ફીમાંથી માફી કેમઃ હાઈ કોર્ટનો સરકારને સવાલ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની વિધાનસભાની 288 બેઠક માટે ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજાઇ શકે છે અને એ માટે સત્તાધારી પક્ષ મહાયુતિ અને વિપક્ષોનું મહાવિકાસ આઘાડીનું ગઠબંધન તૈયારીઓમાં લાગી ગયું છે. જોકે, હજી સુધી બેઠકોની વહેંચણી વિશે કોઇ પણ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
બેઠકોની વહેંચણી ઉપરાંત મુખ્ય પ્રધાન પદનો ચહેરો કોણ બનશે એ વિશે પણ સત્તાધારી પક્ષ કે પછી વિપક્ષ દ્વારા કોઇ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી અને ચૂંટણીના પરિણામો પછી જ એ વિશે નિર્ણય લેવામાં આવશે, તેવું બંનેનું કહેવું છે.