મહાયુતીના ત્રણેય નેતાઓ દિલ્હી ગયા તો પણ આટલી બેઠકો પર કોકડું ગૂંચવાયેલું

મુંબઈઃ મહારાષ્ટ્રની ચૂંટણીની બેઠકની વહેંચણી હાલમાં તમામ પક્ષો માટે અઘરી કસરત બની ગઈ છે. મહાવિકાસ આઘાડી (એમવીએ) પણ હજુ તમામ 288 બેઠક પર સર્વસંમતિ સાધી શક્યું નથી ત્યારે મહાયુતીના પક્ષો વચ્ચે પણ મનમેળ નથી.
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાના નેતા એકનાથ શિંદે અને અનસીપીના નેતા અજિત પવાર ગઈકાલે દિલ્હી દોડ્યા હતા અને ભાજપના કેન્દ્રીય નેતા અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાતમાં થોડી ઘણી બેઠકો પર બધા વચ્ચે મનમેળ થયો છે, પરંતુ હજુ 10થી 15 બેઠક એવી છે જ્યા બે પક્ષ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ બેઠકોમાં મુંબઈની બેઠકોનો પણ સમાવેશ થાય છે.
નાગપુર ખાતે ફડણવીસે વાતચીત કરતા જણાવ્યું હતું કે 278 બેઠક પર અમે વહેંચણી મામલે સમાધાનકારી સ્થિતિમાં છીએ, પરંતુ દસેક બેઠક મામલે હજુ થોડી મુંઝવણો છે, જે એકાદ બ દિવસમાં ઉકેલાઈ જશે
મહાયુતીએ લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ વિધાનસભાની તૈયારી શરૂ કરી દીધી હતી, પરંતુ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પણ 288 બેઠક પર એક થઈ શક્યા નથી. અત્યાર સુધીમાં ભાજપે 99, શિંદેસેનાએ 40 અને અજિત પવાર જૂથે 38 બેઠક સહિતની યાદી જાહેર કરી છે.
ભાજપ આજે બીજી યાદી જાહેર કરે તેવી શક્યતા
મહાયુતીના ત્રણેય પક્ષોના ભાગે કેટલી કેટલી બેઠકો આવી છે તે હજુ સત્તાવાર રીતે જાહેર થયું નથી અને બેઠકો મામલે થોડી મુંઝવણો પણ છે, છતાં ભાજપ આજે બીજી યાદી જાહેર કરે તેવી સંભાવના છે. ભાજપની પહેલી 99 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે, જેમાં 71 વર્તમાન વિધાનસભ્યને ટિકિટ મળી છે. મુંબઈની 16 બેઠક પરથી પણ નામ જાહેર થયા છે.