Assembly Election: ‘મહાયુતિ’માં ૧૦-૧૧ બેઠકનું કોકડું ગૂંચવાયેલું…
અમિત શાહના નિવેદન બાદ એક વાત તો નક્કી જ છે કે લોકસભામાં કરેલી ભૂલનું પુનરાવર્તન નહીં થાય...
મુંબઈ: ૨૦મી નવેમ્બરે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત તો કરી દેવામાં આવી, પણ બંને મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીને મુદ્દે ભારે ખેંચતાણ ચાલી રહી છે. જોકે એમવીએ પોતાની ફોર્મ્યુલાને ચેન્જ કરીને નવી ફોર્મ્યુલા જાહેર કરી છે, જ્યારે મહાયુતિમાં ૨૮૮માંથી ૧૧ બેઠકનું જ કોકડું ગૂંચવાયેલું હોવાનો દાવો નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કર્યો છે.
આ પણ વાંચો : Assembly Election Special: મળી લો રાજકીય નેપોટિઝમનાં ફરજંદોને…
બીજી બાજુ નાગપુરમાં ભાજપી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હવે ફક્ત ૧૦ બેઠકો માટે જ ગૂંચ છે. દરમિયાન હવે બંને મહાયુતિ અને એમવીએને હાલમાં એવું જણાઇ રહ્યું છે કે ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરીને ખૂબ જ ઓછો સમય આપ્યો છે.
દરમિયાન મહાયુતિમાં તડાં પડી રહ્યાં હોવાની ગંધ આવી રહી હોવાથી અજિત પવારે હવે બધું સમેટાઈ ગયું છે અને ૧૧ બેઠક માટે જ પક્ષની વિચારણા ચાલી રહી છે એવું રાહત આપતું નિવેદન તો કર્યું છે, પણ હજી સુધી ત્રણેય પક્ષે એક-એક યાદી જ બહાર પાડી છે, ત્યારે અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા છગન ભુજબળના ભત્રીજા સમીર ભુજબળ અને જાલનામાં ત્રણ ભાજપી નેતાએ બાંયો ચડાવી હોવાના અહેવાલ સાંપડ્યા છે.
હવે જ્યારે બીજી યાદી બહાર પડશે તો ત્યારે કેટલી વિકેટો પડશે કે નેતાઓ બળવો કરીને અન્ય પાલામાં જશે તેની કોઇ ખાતરી નથી. જોકે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભાજપે તેની પહેલી ૯૯ ઉમેદવારની યાદી જાહેર કર્યા બાદ તેની બીજી યાદીમાં કેમ વિલંબ થઇ રહ્યો છે. કોઇ પણ નેતા બળવો ન કરે અને તેઓને એટલો સમય જ ન મળે એ માટે થઇને જ યાદી જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનું આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : મહાયુતીના ત્રણેય નેતાઓ દિલ્હી ગયા તો પણ આટલી બેઠકો પર કોકડું ગૂંચવાયેલું
બીજી બાજુ અમિત શાહના નિવેદન બાદ એક વાત તો નક્કી જ છે કે લોકસભામાં કરેલી ભૂલનું પુનરાવર્તન નહીં થાય, એટલે કે નવા ચહેરાઓને ચાન્સ નહીં મળે, પણ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં બળવો થઇ શકવાનો માહોલ તો ઊભો જ છે, એક જ પક્ષના એક જ મતવિસ્તારના કાર્યકર્તાઓમાં પોતાના નેતાને જો ઉમેદવારી નહીં મળે તો ઉમેદવાર નહીં, પણ કાર્યકર્તાઓ સમર્થન નહીં આપે.
દરમિયાન ગુરુવારે બેઠકની વહેંચણીને મામલે મહાયુતિના ત્રણેય દિગ્ગજો મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે અમિત શાહની મુલાકાત કરીને બેઠકની ફાળવણી અંગે ચર્ચા કરી હતી. ચાર કલાક સુધી તેમની આ ચર્ચા ચાલી હતી. મોટા ભાગની બેઠકો પર ચર્ચા થઇ ગઇ હતી, પણ ૮ બેઠકો એવી છે જેની જાહેરાત અમે છેલ્લી ઘડીએ કરીશું. કારણ કે મહાયુતિને શંકા છે કે એ નેતાઓ બળવો કરી શકે છે.
બીજી બાજુ ત્રણેય દિગ્ગજ નેતાઓને અમિત શાહે ચોખ્ખું કહી દીધું હતું કે બળવાખોરીની ગંધ પણ આવતી હોય તો તેને ઉમેદવારી આપવી નહીં. જોકે ગુરુવારની બેઠક બાદ શુક્રવારે અજિત પવારે બેઠકની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ હોવાનું અને હવે ૧૧ બેઠક પર જ કોકડું ગૂંચવાયેલું હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એનસીપીને ૧૦ ટકા બેઠક લઘુમતી ઉમેદવારને ફાળવવા માટે આપી હતી.
આ પણ વાંચો : ઈલેક્શન: મોંઘવારી નહીં નડે ઉમેદવારોને, ચૂંટણી પંચે ખર્ચની મર્યાદા વધારી, જાણો કેટલી?
મેં પહેલાંથી જ મારાં નામોની યાદી જાહેર કરી દીધી છે. અમે તમામ લોકોને ખુશ કરી શકીએ એમ નથી, એવું પવારે જણાવ્યું હતું. અજિત પવાર પુણે જિલ્લાના બારામતી મતવિસ્તારમાં તેમના ભત્રીજા અને એનસીપી (શરદ પવાર)ના યુગેન્દ્ર પવારનો સામનો કરવાના છે.
મુંબઈની પાંચ બેઠકોની ગૂંચ કેમેય કરી ઉકેલાતી નથી
મહાયુતિમાં હાલમાં ૧૧ બેઠકનો નિર્ણય નથી લઇ શકાયો એમાંથી પાંચ બેઠક મુંબઈની છે. અંધેરી પૂર્વમાં ઋતુજા લટકે, લોખંડવાલામાં ભારતી લવેકર, ભાયંદર પૂર્વની ગીતા જૈન, ઘાટકોપર પૂર્વના પરાગ શાહ અને બોરીવલીનું પ્રતિનિધિત્વ કરતા સુનીલ રાણેની બેઠક પર ઉમેદવાર અંગે હજી કોઇ નિર્ણય લઇ શકાયો ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
હવે ચંદ્રપુરમાં પણ ભાજપ સામે નારાજગી
વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ નેતાઓ દ્વારા બળવો થઇ શકે એમ હોય તમામ પક્ષોના તંબુમાં ગભરાટ ફેલાયો છે. એક પક્ષના નેતા બીજા પક્ષમાં જઇ રહ્યા હોવાનું દેખાઇ રહ્યું છે અને તેઓને સંબંધિત પક્ષ ટિકિટ પણ આપી રહ્યો છે. આવા જ મુદ્દે ચંદ્રપુર વિધાનસભા મતદારસંઘ સંદર્ભે ભાજપમાં આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. નિષ્ઠાવાન અને જેમણે પાંચ વર્ષ નહીં પણ પચીસ વર્ષ પક્ષનું કામ કર્યું છે અને પક્ષને મોટો કર્યો, તેને ટિકિટ આપવાને બદલે આયારામને ટિકિટ આપવામાં આવતાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ જ કારણથી પક્ષના કાર્યકર્તાઓની ભૂમિકા અને તેઓના મત લઇને દિલ્હીના વરિષ્ઠ નેતાઓને પહોંચાડવા માટે હું જવાનો છું, એવું સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું.