મહાયુતિએ રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો: એક જ કારમાં રાજભવન પહોંચ્યા ફડણવીસ, શિંદે અને પવાર…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નામ પરનો રહસ્યનો પડદો હવે ઉઠી ગયો છે. ત્યારે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી. ત્રણેય નેતાઓએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. મહાયુતિના નેતાઓએ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે.
આ પણ વાંચો : ફડણવીસને મળ્યા બાદ શિંદે ડે. સી.એમ બનવા થયા તૈયાર!
રાજ્યપાલને રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો
મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિને મળેલી જીત બાદ દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત રાજ્યના મુખ્ય પ્રધાન બનવાના છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ફડણવીસને તેમના નેતા તરીકે ચૂંટાયા બાદ ત્રણેય નેતાઓ બુધવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે સમર્થન પત્ર સુપરત કર્યો છે. રાજ્યપાલે અમને આવતીકાલે સાંજે 5.30 વાગ્યે શપથ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે.
કોણ શપથ લેશે તે નક્કી કરવા બેઠક
પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મે ગઈકાલે એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. તેમને સરકારમાં જોડાવા માટે વિનંતી કરી હતી અને શિવસેનાના ધારાસભ્યો પણ આ બાબતે સંમતિ દર્શાવી છે. આવતીકાલે કોણ કોણ શપથ લેશે તે નક્કી કરવા માટે આવતીકાલે અમે બેઠક બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.
ફડણવીસે માન્યો શિંદેનો આભાર
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આજે તેઓ રાજ્યપાલને મળ્યા છે અને ભાજપ, શિવસેના, એનસીપી અને ધારાસભ્યોના સમર્થનના પત્રો રાજ્યપાલને સોંપ્યા છે. તેમણે એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમણે મુખ્ય પ્રધાન માટે મારા નામની ભલામણ કરી છે. અજિત પવારે પણ આવો જ પત્ર સોંપ્યો છે. આ તમામ પત્રોને ધ્યાનમાં રાખીને રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. આ સાથે જ પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં વિકાસની વાત થશે અને નવી સરકારનું કેન્દ્ર માત્ર વિકાસ પર રહેશે.
આ પણ વાંચો : હૉસ્પિટલમાંથી પાછા ફરેલા એકનાથ શિંદેને મળવા પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ…
આવતીકાલે શપથગ્રહણ
મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામ બાદ મુખ્ય પ્રધાન પદને લઈને કોકડું ગૂંચવાયું હતું. આ માટે દિલ્હીથી ભાજપના દિગ્ગજ નેતાઓએ આ બાબતે અનેક બેઠકો કરી હતી, તેમ છતાં કોઈ એક નામ પણ સહમતી સધાઈ ચૂકી નહોતી. આ દરમિયાન ઘણા નામો ચર્ચામાં આવ્યા હતા તેમજ અટકળોનું બજાર ગરમ થયું હતું. જો કે હવે તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે અને મુખ્ય પ્રધાન પદની પસંદગીનો કળશ દેવેન્દ્ર ફડણવીશ પર ઢોળી દેવામાં આવ્યો છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે સાંજે 5.30 કલાકે મુંબઈના આઝાદ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાશે.