65થી વધુ વય ધરાવતા રિક્ષા ડ્રાઈવર્સ માટે મહાયુતિ સરકારે કરી મોટી જાહેરાત

મુંબઈઃ મહારાષ્ટ્રના રિક્ષા અને મીટર ટેક્સીચાલકો માટે સરકાર આનંદના સમાચાર લાવી છે. ગુરુવારે રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકની અધ્યક્ષતામાં ધર્મવીર આનંદ દીઘે મહારાષ્ટ્ર ઓટો રિક્ષા અને મીટર ટેક્સી ડ્રાઈવર કલ્યાણ બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં 65 વર્ષથી વધુ વય ધરાવતા ડ્રાઈવરોને 10 હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવશે.
અહેવાલ અનુસાર રાજ્યના 14387 ડ્રાઈવરોને આનો લાભ મળશે. જોકે એક તરફ નાણા ખાતું ભંડોળ ઓછું કરવાની વાત કરી રહ્યું છે, જ્યારે સરકાર છુટ્ટા હાથે લ્હાણી કરી રહી છે. આ સબસિડીનો લાભ એવા ડ્રાઈવરોને મળશે જેઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ કલ્યાણ બોર્ડના સભ્ય છે. મહારાષ્ટ્રમાં અંદાજે 9થી 10 લાખ ઓટો અને મીટર ટેક્સીચાલકો છે.
આમાંના ઘણા ડ્રાઈવરો અસંગઠિત છે અને કોઇ પણ ઔપચારિક સામાજિક સુરક્ષા લાભોથી વંચિત છે. રાજ્ય સરકારે ડ્રાઈવરોને મદદ કરવા માટે કલ્યાણ બોર્ડને 50 કરોડ રૂપિયાની ઓફર પણ કરી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણઃ ફડણવીસને મળ્યા ઉદ્ધવ જૂથના નેતા, જાણો સિક્રેટ?
રિક્ષા અને ટેક્સીના મીટર રિકેલિબ્રેશનનો મુદ્દો ઉકેલાયો નથી ત્યારે પરિવહન પ્રધાને નિવૃત્તિ સન્માન યોજના હેઠળ 65થી વધુ વય ધરાવતા સભ્ય ડ્રાઈવરોને 10000ની સબસિડી મળશે, એવી જાહેરાત કરી છે.
આ ઉપરાંત સારું કામ કરનારા રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો અને ટેક્સી ડ્રાઈવર એસોસિયેશન તેમ જ રિક્ષા સ્ટેન્ડને વાર્ષિક પુરસ્કારથી પણ સન્માનિત કરવાની યોજના હોવાનું સરનાઈકે જણાવ્યું હતું.