
મુંબઈ: મહાયુતિ સરકાર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં રાજ્ય સરકાર સંચાલિત બોર્ડ અને કોર્પોરેશનોમાં લાંબા સમયથી પડતર નિમણૂંકો કરે તેવી શક્યતા છે. નારાજ વિધાનસભ્યો અને પ્રધાન ન બની શકેલા અન્ય નેતાઓને શાંત કરવા માટે, સરકાર ટૂંક સમયમાં રાજ્ય સંચાલિત બોર્ડ અને કોર્પોરેશનોમાં નિમણૂકો કરશે, એમ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ભાજપ, શિવસેના અને એનસીપી માટે 2:1:1ની ફોર્મ્યુલા ઘડી કાઢવામાં આવી છે. પક્ષના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે મ્હાડા અને સિડકો જેવા કેટલાક મોટા અને મહત્ત્વના બોર્ડ પર ખેંચતાણ ચાલી રહી છે અને મહાયુતિના પ્રધાનોની સંકલન સમિતિએ આ અઠવાડિયે વિવિધ પાસાં પર ચર્ચા કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારની રચના થઈ ત્યારથી રાજ્ય સરકાર સંચાલિત કોર્પોરેશનો અને બોર્ડમાં નિમણૂકો બાકી છે.
આ પણ વાંચો: ઓબીસી અનામતનો મુદ્દો ફરી ઊઠતા મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીઓ રખડી શકે
ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા, રાજ્ય સંચાલિત બોર્ડ અને કોર્પોરેશનોમાં નામ આપવામાં આવેલા ચારમાંથી ત્રણને કેબિનેટ પ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. વિધાનસભ્ય સંજય શિરસાટને સિડકોના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને વિધાનસભ્ય ભરત ગોગાવલેને મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમ (એમએસઆરટીસી)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બંનેને કેબિનેટ પ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસુળને મહારાષ્ટ્ર રાજ્ય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ભૂતપૂર્વ સાંસદ હેમંત પાટીલને બાળાસાહેબ ઠાકરે હરિદ્રા સંશોધન અને તાલીમ કેન્દ્રના અધ્યક્ષ તરીકે કેબિનેટ દરજ્જો આપવામાં આવ્યો હતો.
જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વખતે આ બોર્ડ અને નિગમોમાં નિયુક્ત થયેલા નેતાઓને કેબિનેટ દરજ્જો આપવામાં આવશે નહીં કારણ કે સરકારમાં પહેલાથી જ 39 પ્રધાનો રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની પાલિકા ચૂંટણીઓમાં કોંગ્રેસ એકલા ઉતરવાનો નિર્ણય કરે તો નવાઈ નહીં: પૃથ્વીરાજ ચવાણ
આ વર્ષે જાન્યુઆરીમાં એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના નગર વિકાસ વિભાગે સિડકોના અધ્યક્ષ તરીકે શિરસાટની નિમણૂંક રદ કરી હતી. શિરસાટ હવે કેબિનેટ પ્રધાન હોવાથી નિમણૂંક રદ કરવામાં આવી હતી.
ચૂંટણી પહેલા, રાજ્ય સરકારે ચૂંટણી પહેલા સમુદાયો અને જાતિઓને આકર્ષવા માટે રચાયેલા અનેક નવા રાજ્ય સંચાલિત નિગમોની જાહેરાત કરી હતી. આનાથી મહાયુતિ સરકારે તાજેતરના ભૂતકાળમાં સ્થાપિત નવા નિગમોની સંખ્યા પચાસની નજીક પહોંચી ગઈ છે.