મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન મુદ્દે મહાયુતિની મડાગાંઠ અકબંધ…
શુક્રવારની અપેક્ષિત બેઠકમાં ભાગ લેવાનું ટાળીને એકનાથ શિંદે ગામ રવાના
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સરકારની રચનામાં વિલંબ થઈ રહ્યો હોવા છતાં મહાયુતિની મહત્ત્વની બેઠકમાં હાજરી આપવાને બદલે સાતારા જિલ્લામાં તેમના વતન જવા રવાના થઈ ગયા હતા. તેમના આ પગલાંને કારણે રાજ્યની મહાયુતિમાં બધું સમુસૂતરું ન હોવાની અટકળો થઈ રહી છે ત્યારે બીજી તરફ એકનાથ શિંદેની પાર્ટીના નેતાએ એવો ખુલાસો કર્યો હતો કે એકનાથ શિંદે નારાજ નથી. તેમના જવાથી આવી અઠકળો લગાવવી યોગ્ય નથી.
આ પણ વાંચો : મહાયુતિનું કોકડું વધુ ગૂંચવાયુંઃ આજની મહત્ત્વની બેઠક રદ્દ, એકનાથ શિંદે ગામ રવાના થયા
શિવસેના પ્રમુખ ગુરુવારે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા ત્યારે પણ તેમની તબિયત ખરાબ હતી, એવો ખુલાસો શિવસેનાના નેતા ઉદય સામંતે પત્રકારો સમક્ષ શુક્રવારે કર્યો હતો.
શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આગામી મુખ્ય પ્રધાન અંગે ભાજપના ટોચના નેતાઓના નિર્ણયને સ્વીકારશે, આમ છતાં અમારી અપેક્ષા છે કે તેઓ નવી સરકારનો ભાગ હોવા જોઈએ, એમ અગાઉની કેબિનેટમાં પ્રધાન ઉદય સામંતે ઉમેર્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક અઠવાડિયા પછી સરકારની રચનામાં વિલંબ થઈ રહ્યો છે, મહાયુતિના સાથી પક્ષો ભાજપ, શિવસેના અને એનસીપીની મુખ્ય બેઠક શુક્રવારે આયોજિત કરવામાં આવી હતી, પરંતુ શિંદે તેમના ગામ ડેરે જવા રવાના થઈ ગયા હોવાથી આ બેઠકને મુલતવી રાખવામાં આવી હતી.
શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચે જે બેઠક મુંબઈમાં થવાની હતી તે અંગે પૂછવામાં આવતા સામંતે એવો બચાવ કર્યો હતો કે, ‘જો બેઠકમાં વ્યક્તિગત હાજરી ન હોય તો વીડિયો કોન્ફરન્સ દ્વારા પણ થઈ શકે છે.
‘તેઓ (શિંદે) નારાજ નથી. દિલ્હીમાં પણ તેમને તાવ અને શરદી થયા હોવાથી માંદા જ હતા. તેઓ નારાજ છે એટલે પોતાના વતન ડેરે ગયા છે એમ કહેવું ખોટું ગણાશે,’ એમ સેનાના નેતાએ કહ્યું હતું.
‘કોઈપણ વ્યક્તિ આરોગ્યની સમસ્યાઓનો સામનો કરી શકે છે, અને જો તે સારી જગ્યાએ ગયા હોય (આરોગ્યના કારણોસર), તો તે નારાજ છે તેવું તારણ કાઢવાનો કોઈ અર્થ નથી,’ એમ સામંતે ઉમેર્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનનું સસ્પેન્સ યથાવત શાહના ઘરે 3 કલાકની મેરેથોન બેઠકમાં, કોઈ નિર્ણય ન લઈ શકાયો…
શિંદેએ પોતે બે દિવસ પહેલા ભાર મૂક્યો હતો કે સરકારની રચનામાં તેમની બાજુથી કોઈ અવરોધ નહીં આવે, એવી સ્પષ્ટતા તેમણે કરી હતી અને ઉમેર્યું હતું કે, ભાજપે કહ્યું છે કે તે આગામી બે દિવસમાં તેના વિધાયક પાંખના નેતા અંગે નિર્ણય લેશે અને આ ઔપચારિકતાઓ પૂરી થયા પછી, નવી સરકારની રચના કરવામાં આવશે.