Assembly Elections: મહાયુતિનો મોટો નિર્ણય, નવા કોઈ અખતરા નહીં કરાય પણ…
મુંબઈ: મહાવિકાસ આઘાડી (એમવીએ) દ્વારા પશ્ચિમ મહારાષ્ટ્રની આઠ બેઠક પર કોણ ચૂંટણી લડશે તે નક્કી થઇ ગયું હોવાના અહેવાલ છે ત્યારે મહાયુતિએ પણ બેઠકની વહેંચણી બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. બેઠકની વહેંચણી વખતે હાલ જીતેલી બેઠકો પર કોઇપણ ફેરવિચાર કરી અદલાબદલી નહીં કરવામાં આવે, તેમ મહાયુતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હોવાનું નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું.
હાલ જે વિધાનસભા ક્ષેત્ર પર ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) કે એનસીપી (અજિત પવાર)ના વિધાનસભ્યો છે તે બેઠક તેમની પાસે જ રહેવા દેવામાં આવશે. અજિત પવારે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે દરેક પક્ષને તેમની પાસે હાલ રહેલી બેઠક આપવામાં આવશે. જો કોઇ બેઠકની અદલાબદલી કરવાની જરૂર હશે, તો તેની માટે પણ દરેક પક્ષ તૈયાર રહેશે. બેઠકની વહેંચણીની ફોર્મ્યુલા ટૂંક સમયમાં જ નક્કી કરવામાં આવશે.
નાશિકમાં જન સન્માન યાત્રાની શરૂઆત કરવા માટે પહોંચેલા પવારે પત્રકારો સાથે મરાઠા અનામત બાબતે જણાવ્યું હતું કે અમારો પક્ષ કોઇપણ સમાજને નારાજ કરવા નથી માગતો. ભૂતકાળમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠાઓને અનામત આપતો કાયદો પસાર કરવામાં ાવ્યો હતો, પરંતુ તે કાયદાની કસોટીમાં ખરો ઉતર્યો નહોતો.
આ પણ વાંચો :મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાને જાપાન, જર્મનીથી વધુ મજબૂત બનાવવાનો કોણે કર્યો દાવો?
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં મહાયુતિ દ્વારા અનેક સાંસદોનું પત્તું કટ કરવામાં આવ્યું હતું અને નવા ચહેરાઓને મોકો આપવામાં આવ્યો હતો. તેના કારણે ચૂંટણીના પરિણામો પર અસર થઇ હોવાથી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ દ્વારા કોઇ અખતરાં કરવામાં નથી આવી રહ્યા તેવી ચર્ચા પણ થઇ રહી છે.