આમચી મુંબઈ

મહાવિતરણનો ફટકોઃ સ્માર્ટ મીટરને કારણે વીજળી મોંઘી થશે

મુંબઈ: રાજ્યભરના મહાવિતરણ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર મળવાથી વીજળીનું બિલ 40 રૂપિયા જેટલું મોંઘું થશે. આ અંતર્ગત મહાવિતરણ દ્વારા 2.41 વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર બેસાડવામાં આવશે. આ મીટરની સરાસરી કિંમત ત્રણ હજાર રૂપિયા છે અને એમાંથી 1800 રૂપિયા જ કેન્દ્ર સરકાર તરફથી મળવાના છે, પરિણામે બાકીના પૈસા માટે ગ્રાહકોનું ખિસ્સું જ હળવું થશે એવા ચિહ્નો છે.

કેન્દ્ર સરકારે ‘વીજ વિતરણ ક્ષેત્ર પુનરુત્થાન યોજના’ (આરડીએસએસ) શરૂ કરી છે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ અને આરઈસી લિમિટેડ જેવી સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને નોડલ એજન્સી બનાવી છે. વિવિધ રાજ્યોમાં વીજ વિતરણ ક્ષેત્રના વિકાસ માટે સંબંધિત વિતરણ કંપનીઓને નજીવા વ્યાજ દર પર તેમજ સુલભ પદ્ધતિએ આ યોજના અંતર્ગત આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

આ સહાય આપતી વખતે ‘સ્માર્ટ મીટર’ જેવા કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. સંબંધિત વીજ વિતરણ કંપનીએ સ્માર્ટ મીટર બેસાડવાની તૈયારી કરી હોય તો જ તેમને આરડીએસએસનો લાભ આપવામાં આવે છે. જે કંપનીઓને આર્થિક સહાયનો ખપ હોય તેમના દ્વારા સ્માર્ટ મીટર યોજના શરૂ કરવામાં આવે છે. એ કંપનીમાં મહાવિતરણનો સમાવેશ છે.
સ્માર્ટ મીટર બેસાડવાનો નિર્ણય સ્વૈચ્છિક હોવો જોઈએ. મુંબઈમાં અદાણી ઈલેક્ટ્રીસીટી અને ટાટા પાવર દ્વારા 40 લાખ મીટર બેસાડવામાં આવી રહ્યા છે, પણ એ કામ આરડીએસએસના લાભ વિના પોતાના ખર્ચે થઈ રહ્યું છે. મહાવિતરણ અને ‘બેસ્ટ’ કેન્દ્રની મદદ લઈ રહ્યા હોવાથી તેમણે ગ્રાહકોના હાલના મીટર બદલાવી સ્માર્ટ મીટર બેસાડવા પડશે.

જોકે, વીજ કાયદા અનુસાર આ રીતે મીટર અનિવાર્ય ન કરી શકાય અને એ માટે મહારાષ્ટ્ર વીજ નિયામક આયોગની પરવાનગી લેવી આવશ્યક છે એવી જાણકારી વીજ બાબતોના નિષ્ણાત તરફથી આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button